રસોડામાં છુપાયેલા છે સ્વાસ્થ્યના 5 મોટા દુશ્મન, કેન્સરના જોખમથી બચવા આજે જ કિચનમાંથી કરો આઉટ
આપણા ઘરના રસોડાને સ્વાસ્થ્યનું મંદિર માનવામાં આવે છે, જ્યાંથી આખા પરિવારની તંદુરસ્તી નક્કી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જાણી-અજાણ્યે આ જ રસોડામાં કેટલીક એવી વસ્તુઓ જમા થઈ જાય છે જે ધીમે-ધીમે કેન્સર જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે?

કેન્સર નિષ્ણાતોના મતે કેન્સર કોઈ એવી બીમારી નથી જે રાતોરાત શરીરમાં પેદા થઈ જાય. આ એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે આપણે વર્ષો સુધી રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત વસ્તુઓના સંપર્કમાં રહીએ છીએ, ત્યારે શરીરની અંદર ટોક્સિન્સ જમા થવા લાગે છે અને આ જ ટોક્સિન્સ આગળ જતાં કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, નીચે દર્શાવેલી 5 વસ્તુઓને તરત જ રસોડામાંથી દૂર કરવી હિતાવહ છે:

વાસણ સાફ કરવાનો સિન્થેટિક સ્પોન્જ: મોટાભાગના ઘરોમાં વાસણ સાફ કરવા માટે સિન્થેટિક સ્પોન્જનો ઉપયોગ થાય છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, આ સ્પોન્જને કિચનમાંથી તરત જ હટાવી દેવો જોઈએ. વપરાશ દરમિયાન આ સ્પોન્જના અતિ સૂક્ષ્મ કણો એટલે કે માઇક્રો-પ્લાસ્ટિક ઘસાઈને વાસણોમાં ચોંટી જાય છે અને તે સીધા આપણા ખોરાક દ્વારા પેટમાં પહોંચે છે, જે આગળ જતાં ગંભીર બીમારીઓનું કારણ બને છે.

કાળા પ્લાસ્ટિકના ચમચા: શાકભાજી હલાવવા કે રસોઈ બનાવવા માટે વપરાતા કાળા પ્લાસ્ટિકના મોટા ચમચાઓને તરત જ બહાર ફેંકી દો. આ ખાસ પ્રકારના કાળા પ્લાસ્ટિકમાં જોખમી રિસાયકલ તત્વો અને કેમિકલ્સ હોય છે. જ્યારે આ ચમચા ગરમ ખોરાકના સંપર્કમાં આવે છે, ત્યારે તે પીગળીને કેમિકલ્સ ભોજનમાં ભેળવી દે છે, જે કેન્સરને જન્મ આપી શકે છે.

પ્લાસ્ટિકનું ચોપિંગ બોર્ડ: શાકભાજી સુધારવા માટે પ્લાસ્ટિકના ચોપિંગ બોર્ડનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. વાસ્તવમાં, જ્યારે પણ આ બોર્ડ પર છરી ચલાવવામાં આવે છે, ત્યારે પ્લાસ્ટિકના નરી આંખે ન દેખાતા બારીક કણો (માઇક્રોપ્લાસ્ટિક્સ) કપાઈને શાકભાજી સાથે ભળી જાય છે. આના બદલે હંમેશા લાકડાના (વુડન) અથવા મેટલના કટિંગ બોર્ડનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.

પ્રેશર કુકરની જૂની રબર: પ્રેશર કુકરમાં લાગેલી રબર જ્યારે જૂની થઈ જાય, ત્યારે તેને તાત્કાલિક બદલી નાખવી જોઈએ. હાઈ હીટ (તેજ આંચ) અને ભારે દબાણના કારણે આ જૂની થઈ ગયેલી રબર જોખમી કેમિકલ્સ રિલીઝ કરવા લાગે છે, જે કુકરની અંદર બની રહેલા ખોરાકમાં ભળી જાય છે. તેથી જૂની રબરને તરત જ બદલો અથવા હંમેશા સારી ગુણવત્તાવાળી રબરનો જ ઉપયોગ કરો.

પ્લાસ્ટિકની બોટલો: પ્લાસ્ટિકની પાણીની બોટલો આપણા શરીર માટે અત્યંત હાનિકારક છે. લાંબા સમય સુધી એક જ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાથી પ્લાસ્ટિકનું બ્રેકડાઉન થવા લાગે છે અને પાણીમાં ઝેરી તત્વો ઓગળવા લાગે છે. પીવાના પાણીના સંગ્રહ માટે હંમેશા કાચ, સ્ટીલ અથવા તાંબાની બોટલોને જ પ્રાથમિકતા આપવી જોઈએ.
જરૂરી નોંધ: આ લેખ માત્ર સામાન્ય જાગૃતિ અને કેન્સર નિષ્ણાતના સોશિયલ મીડિયા સૂચનો પર આધારિત છે. તમારી લાઈફસ્ટાઈલ અથવા રસોડાના વાસણોમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલા આરોગ્ય નિષ્ણાત કે ડૉક્ટરની યોગ્ય સલાહ જરૂર લો.
વિન્ડ-ફ્રી એસી જે પવન વગર જ રૂમને કરી દેશે ચિલ્ડ, સીધી બરફીલી હવાના કારણે થતી શરીરની અકડાણ અને પીડામાંથી મળશે મુક્તિ
