Canada Visa : કેનેડામાં એરપોર્ટ પર જ એજ્યુકેશન અને વર્ક પરમિટ રદ કરવાનો નવો નિયમ, હવે આ ભૂલ ન કરતાં
કેનેડાએ ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. IRCC હવે એરપોર્ટ પર જ સ્ટડી અને વર્ક પરમિટ રદ કરી શકશે, જો પ્રવેશ માટેની કેટલીક શરતો પૂર્ણ ન થતી હોય. જોકે તમને આ બાબતે હવે અનેક પ્રશ્નો થશે.

કેનેડાએ પોતાના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દેશમાં ફક્ત તે જ લોકોને પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેઓ તમામ જરૂરી શરતો અને માપદંડોને પૂર્ણ કરે છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ નવી ઓપરેશનલ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેના આધારે ઇમિગ્રેશન અધિકારીઓને એરપોર્ટ પર જ અભ્યાસ (સ્ટડી) અને કામ (વર્ક) પરમિટ રદ કરવાની કાનૂની સત્તા આપવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ વ્યક્તિ દેશમાં પ્રવેશ માટેની આવશ્યકતાઓ, સ્વીકાર્યતા અથવા પાલનના નિયમો પૂર્ણ ન કરે, તો ઇમિગ્રેશન અધિકારી એરપોર્ટ પર જ તેની પરમિટ રદ કરી શકે છે. આ નિયમ ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ (IRPR) માં સુધારા રૂપે અમલમાં આવ્યો છે, જેમાં પરમિટ રદ કરવા માટેના સ્પષ્ટ નિયમો ઉમેરવામાં આવ્યા છે. સ્ટડી પરમિટ માટે કલમ 222.7 અને 222.8 તથા વર્ક પરમિટ માટે કલમ 209.01 અને 209.02 હેઠળ નવી જોગવાઈઓ ઉમેરાઈ છે.

નવા નિયમો અનુસાર, જો કોઈ પરમિટ ભૂલથી જારી કરવામાં આવી હોય અથવા પરમિટ ધારક હવે જરૂરી શરતો પૂર્ણ ન કરતો હોય, તો IRCC તેને રદ કરી શકે છે. ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થી અથવા કર્મચારીનું અવસાન થાય છે અથવા તેને કેનેડામાં કાયમી રહેઠાણ (Permanent Residency) મળે છે, તો તેમની સ્ટડી અથવા વર્ક પરમિટ આપમેળે રદ થઈ જશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂશન (DLI)માં પ્રવેશ મેળવે છે પરંતુ પછીથી IRCCના નિયમોનું પાલન ન કરે, તો તેની સ્ટડી પરમિટ રદ થઈ શકે છે. DLI એવી કોલેજો અને યુનિવર્સિટીઓ છે, જેઓ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અધિકૃત છે.

તેવી જ રીતે, જો કોઈ વિદેશી કામદાર કેનેડિયન કંપનીમાં કામ કરવા જાય છે અને તે કંપની સરકારના નિયમોનું પાલન કરતી નથી, તો તેની વર્ક પરમિટ પણ રદ કરી શકાય છે.

આ નવા નિયમો ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારો માટે મહત્વપૂર્ણ છે. કેનેડા સરકારે આ પગલું એ માટે ભર્યું છે કે દેશમાં ફક્ત કાયદેસર અને નિયમોને અનુસરતા લોકો જ પ્રવેશ મેળવે. IRCCના જણાવ્યા અનુસાર, આ સુધારો ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે.
કેનેડાએ તેના વિઝા નિયમોમાં કર્યા ફેરફાર, ભણવા જનારા ભારતીયો પર પડશે હવે આવી અસર
