વિદેશી માર્કેટના નામે ETFs મા ‘મોટો ખેલ’! BSE ની આ કડક ચેતવણી બાદ હવે રોકાણકારોએ શું કરવું?
જો તમે પણ શેરબજારમાં ETFs માં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. તાજેતરમાં જ BSE એ દેશના તમામ રોકાણકારો માટે એક Alert જાહેર કર્યો છે. એક્સચેન્જે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, એક નાની ભૂલના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. આખરે અચાનક એવું તે શું બન્યું કે, BSE એ ગંભીર ચેતવણી આપવી પડી અને તમારા રોકાણ પર આની શું અસર થશે?

જો તમે પણ શેરબજારમાં ઈન્ટરનેશનલ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટોક એક્સચેન્જ BSE એ રોકાણકારોને ઊંચા ભાવે International ETFs ખરીદવા સામે કડક ચેતવણી આપી છે.

એક્સચેન્જે ચેતવણી આપી છે કે, ઓવરસીઝ સિક્યોરિટીઝના ભાવ સ્થિર રહેવા છતાં આ ફંડ્સના બજાર ભાવમાં અચાનક મોટો ઘટાડો આવી શકે છે. આ ફંડ્સ તેમની વાસ્તવિક નેટ એસેટ વેલ્યુ (NAV) કરતાં ખૂબ જ ઊંચા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

BSE ના જણાવ્યા મુજબ, કેટલાક ઈન્ટરનેશનલ ETF ની બજાર કિંમત તેમની NAV ની સરખામણીમાં ઘણી વધારે છે, જ્યારે આ ETF માં રહેલી ઓવરસીઝ સિક્યોરિટીઝની NAV માં કોઈ મોટો ફેરફાર થયો નથી.

BSE એ સ્પષ્ટ કર્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઉપલબ્ધ વિદેશી રોકાણની મર્યાદા સંપૂર્ણપણે વપરાઈ ચૂકી છે. આ કારણોસર મ્યુચ્યુઅલ ફંડ્સ નવા ઈન્ટરનેશનલ ETF યુનિટ્સ બનાવવા માટે સક્ષમ નથી.

નવા યુનિટ્સની સીમિત ઉપલબ્ધતા વચ્ચે માગ વધવાને કારણે કેટલાક ETF ની બજાર કિંમત તેમની અંડરલાઈંગ એસેટ્સની વાસ્તવિક NAV કરતાં ઘણી ઉપર પહોંચી ગઈ છે. એક્સચેન્જે ચેતવણી આપી છે કે, જો કોઈ રોકાણકાર આવા ETF ને ભારે પ્રીમિયમ પર ખરીદે છે, તો વિદેશી બજારમાં કોઈ મોટો ઘટાડો આવ્યા વગર પણ ETF ની કિંમત અચાનક નીચે આવી શકે છે.

BSE અનુસાર, વિદેશી રોકાણની મર્યાદા વધવા પર પણ આ ETF ની કિંમતમાં ઝડપી કરેક્શન આવી શકે છે. આ સિવાય, 1 એપ્રિલ 2027 થી ETF ની પ્રાઈસ બેન્ડ નક્કી કરવા માટે બેઝ પ્રાઈસ તરીકે આગલા દિવસની NAV નો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પણ કિંમતો પર અસર પડી શકે છે.

આ ફેરફાર SEBI ના 15 જૂન 2026 ના ETF ટ્રેડિંગ ફ્રેમવર્કનો ભાગ છે. આના બેઝ પ્રાઈસ, પ્રાઈસ બેન્ડ, પ્રી-ઓપન કોલ ઓક્શન અને ક્લોઝ-આઉટ સાથે જોડાયેલા નિયમો 7 સપ્ટેમ્બરથી લાગુ થઈ ચૂક્યા છે. BSE એ રોકાણકારો અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સને સાવચેતી રાખવા તેમજ પૂરતી તપાસ કરવાની સલાહ આપી છે.

એક્સચેન્જે રોકાણકારોને સલાહ આપી છે કે, તેઓ ઓર્ડર આપતા પહેલા સ્ટોક એક્સચેન્જ, AMFI ની વેબસાઈટ અથવા પોતાના ટ્રેડિંગ ટર્મિનલ પર NAV ની તપાસ ચોક્કસથી કરે અને અત્યંત સાવધાની રાખે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
રોકાણકારો માટે ખુશખબર! આ એનર્જી શેરમાં જોવા મળશે ‘જોરદાર તેજી’, 40 ટકા સુધીના ઉછાળાના સંકેત
