રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય જાહેર કરવાની ભારતીય કિસાન સંઘે કરી માગ, કાગડોળે સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા ધરતીપુત્રો
રાજ્યમાં આ વર્ષે ચોમાસુ નબળુ રહ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સાવ ઓછો વરસાદ વરસ્યો છે. જેના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે. આવા વિસ્તારોને તુરંત સહાય જાહેર કરી ધરતીપુત્રોની મદદ કરવાની ભારતીય કિસાન સંઘે માગ કરી છે. નબળા ચોમાસાને કારણે પાક ન લઈ શકનારા ખેડૂતો કાગડોળે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે.
રાજ્યમાં આ વર્ષે ચોમોસુ ઘણુ નબળુ રહ્યુ છે અને અનેક જિલ્લાઓમાં અછતની સ્થિતિ વર્તાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં ઘાસચારાની અને પાણીની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો અને પશુપાલકો માટે માલઢોરનો નિભાવ કરવો પણ મુસ્કેલ મળ્યો છે. એકતરફ નિયમિત ઘાસચારો નથી મળી રહ્યો. જે મળી રહ્યો છે તેના ભાવ વધી જતા માલધારીઓને પરવડતા નથી બીજી તરફ પાણી ન હોવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ રીતે ચારેબાજુથી મુશ્કેલીથી ઘેરાયેલા ખેડૂતોની સામે સરકાર કંઈક જુએ અને સહાય જાહેર કરે તેવી માગ ભારતીય કિસાન સંઘે કરી છે.
વરસાદ ન થવાને કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે. ચોમાસુ પાક લઈ શક્યા નથી. ખેતરમાં પાણી બચ્યુ નથી. પાણીના અભાવે અને પૈસાના અભાવે શિયાળુ પાક લઈ શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે જો ખેડૂતોને સરકારી સહાય મળે તો તેમની દિવાળી થોડી ઘણી સુધરે તેવી આશા સાથે ધરતીપુત્રો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર આ આર્થિક પાયમાલીમાં તેમને થોડોઘણો સહાયરૂપી ટેકો કરે.
સરકાર તાત્કાલિક સહાય જાહેર કરી ખેડૂતોની મદદ કરે- વિઠ્ઠલ દુધાત્રા
ખેડૂત અગ્રણી વિઠ્ઠલ દુધાત્રાના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી જ અન્ય એક યોજના રાજ્ય સરકાર દ્વારા લોંચ થયેલી છે. જો આ બંને યોજનાની બંને સહાય ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોને દિવાળીના તહેવાર સમયે થોડો ઘણી કંઈક આર્થિક ટેકો મળી રહે. હાલ અછતની આ કફોડી સ્થિતિમાં તાત્કાલિક આ બંને ખેડૂતલક્ષી યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે માગ કરાઈ છે.
પાણી અને ઘાસચારો ન હોવાથી માલધારીઓ હિજરત કરવા મજબુર
આ તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સરવેની કામગીરી શરૂ હોવાનું જણાવતા કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પલટવાર કર્યો છે. આંબલિયાએ જણાવ્યુ કે સરવેના નાટક બંધ કરી નિયમ અનુસાર દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લાભ આપવામાં આવે. ઘાસચારો ન મળવાને કારણે માલધારીઓને હિજરત કરી રહ્યા છે. વધુમાં પાલ આંબલિયાએ જણાવ્યુ કે દ્વારકા જિલ્લાના ગામડાની વાસ્તવિક સ્થિતિ શું છે તે જોવા બાવળિયા આવે તો તેમને સમજાય. આજે ગામડામાં 8 થી 28 દિવસે પાણી આવે છે. ઘાસચારા વિતરણ કેન્દ્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. આ પ્રકારે હાલ રાજ્યભરના અછતગ્રસ્ત જિલ્લાઓમાં સરકાર સામે સહાયની માગ ઉઠી રહી છે ત્યારે જોવુ રહ્યુ કે ખેડૂતો અને માલધારીઓ માટે સરકાર ક્યારે સહાય જાહેર કરે છે.
