રેકોર્ડ તોડીને અચાનક કેમ ગગડ્યા સોનાના ભાવ? કિંમતો તૂટવા પાછળનું અસલી કારણ શું?
સોનાના ભાવમાં અચાનક આવેલો મોટો કડાકો હાલ રોકાણકારો અને ગ્રાહકો બંને માટે ચર્ચાનો વિષય બન્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરથી લઈને ભારતીય બજારો સુધી કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. આ અચાનક નરમીને કારણે સૌના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, સોનાના ભાવ આટલા કેમ ઘટી રહ્યા છે? તેના પાછળના મુખ્ય કારણો શું છે? દિવાળી પહેલા સોનામાં ફરીથી તેજી જોવા મળશે કે મોટો કડાકો આવશે?

હાલના સમયમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના વધતા ભાવ, મજબૂત અમેરિકી ડૉલર અને ઊંચી અમેરિકી ટ્રેઝરી યીલ્ડે (વળતર) સોના અને ચાંદી પર ભારે દબાણ બનાવ્યું છે. આ ઉપરાંત, ફરીથી ઉભરી રહેલી મોંઘવારીની ચિંતાઓ અને અમેરિકામાં સખત નાણાકીય નીતિ ચાલુ રહેવાની આશંકાઓને કારણે પણ કિંમતી ધાતુઓના ભાવ નીચે આવ્યા છે. આ કારણોસર માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ ભારતમાં MCX વાયદા અને રિટેલ (છૂટક) બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

સપ્તાહ દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો વાયદો લગભગ 3.50% સુધી ઘટી ગયો. તેના અગાઉના ઉચ્ચ સ્તરોથી ભારે વેચવાલીના કારણે સોનાની કિંમતો ઝડપથી નીચે આવી. રિટેલ બજારોમાં પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના તાજેતરના આંકડા મુજબ, તહેવારોની સિઝન પહેલા સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

24 કેરેટ સોનાની કિંમત 1,46,426 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે 23 ઓક્ટોબર સુધી ઘટીને 1,41,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ. આનો અર્થ એ છે કે, એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 4,796 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ ગયું છે. એ જ રીતે, સામાન્ય ગ્રાહકો દ્વારા ઘરેણાં ખરીદવા માટે વપરાતા 22 કેરેટ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાય્યો છે.

22 કેરેટ સોનાનો ભાવ 1,34,207 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે 23 ઓક્ટોબરે ઘટીને 1,29,566 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. આ સમયગાળામાં 22 કેરેટ સોનાના ભાવ 4,641 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી ગયા છે. કિંમતોમાં આવેલા આ ઘટાડાથી તહેવારો અને લગ્નની સિઝનમાં ખરીદી કરતા ગ્રાહકોને મોટી રાહત મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ ભારે દબાણ હેઠળ રહ્યા. શુક્રવારે 30 નવેમ્બરને રોજ વૈશ્વિક બજારમાં સોનું ઘટીને લગભગ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું. આ છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયમાં સોનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો માનવામાં આવી રહ્યો છે. આ વેચવાલી પછી હવે બજારનું પૂરેપૂરું ધ્યાન 4,000 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર ટકી ગયું છે. આ સ્થિતિ 27-28 ઓક્ટોબરે યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિગત બેઠકથી બરાબર પહેલા બની છે. આ આખા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં લગભગ 4% નો ઘટાડો નોંધાય્યો છે, જે જૂન પછીનું તેનું સૌથી નબળું પ્રદર્શન છે.

સોનાની કિંમતોમાં આવેલા આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો છે. સાઉદી અરેબિયામાં હૂતિ હુમલાને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો જોખમાવાની આશંકા વધી ગઈ, જેનાથી બ્રેન્ટ ક્રૂડ 5 મહિનાથી વધુના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું. મોંઘા તેલથી મોંઘવારી વધી શકે છે, જેના કારણે સેન્ટ્રલ બેંકો વ્યાજ દરોને લાંબા સમય સુધી ઊંચા રાખી શકે છે. વેપારીઓને આશા છે કે, 27-28 ઓક્ટોબરની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરે પરંતુ અમેરિકામાં અપેક્ષા કરતા વધુ આવેલા ઉપભોક્તા અને ઉત્પાદક મોંઘવારીના આંકડાઓએ આ વર્ષના અંતમાં દરોમાં વધુ કડકતા લાવવાની શક્યતાને મજબૂત કરી દીધી છે. એવામાં ભલે આ અઠવાડિયે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી 10-વર્ષીય ટ્રેઝરી યીલ્ડમાં થોડો ઘટાડો થયો છે પરંતુ ડૉલર ઈન્ડેક્સ હજુ પણ 101.5 ની આસપાસ મજબૂત સ્થિતિમાં છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઈરાન તણાવના સમયથી અત્યાર સુધી સોનામાં લગભગ 20% નો ઘટાડો આવી ચૂક્યો છે.

ટૂંકા સમય માટે સોનાનું ટેકનિકલ આઉટલુક નબળું જળવાઈ રહ્યું છે અને સોનું 4,000 ડૉલર પ્રતિ ઔંસના સ્તરને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો સોનું 4,000 ડૉલરની નીચે સતત જળવાઈ રહે છે, તો આ ઘટાડો 3,950 રૂપિયા (લગભગ 1,40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ) સુધી જઈ શકે છે. મધ્યમ ગાળામાં આશા છે કે, સોનું અને ચાંદી ફરીથી મજબૂતી મેળવશે. તેમના મતે 3,950 ડૉલર - 4,000 ડૉલર સોના માટે ખરીદી અને સપોર્ટનો એક સારો અવકાશ છે, જ્યારે ચાંદીને 50 ડૉલર - 55 ડૉલરની આસપાસ સપોર્ટ મળી શકે છે. તેમણે આગામી અઠવાડિયામાં 10-15% ના બાઉન્સ બેક (સુધારા) ની શક્યતા વ્યક્ત કરી છે પરંતુ તેજીનો ટ્રેન્ડ ફરીથી શરૂ થવા માટે સોનાએ $4,200 ની ઉપર ટકવું પડશે.

કિંમતોમાં આવેલા આ ઘટાડા છતાં તહેવારોની સિઝન અને દિવાળી દરમિયાન ઘરેણાંની માંગ મજબૂત રહેવાની પૂરી આશા છે. ભારતીય ગ્રાહકો હંમેશાથી સોનાને સુરક્ષિત અને ભરોસાપાત્ર રોકાણ માનતા આવ્યા છે. એવામાં આ ઘટાડાને એક સારી તક તરીકે જોવામાં આવી રહ્યો છે. આ વખતે તહેવારો પર ગ્રાહકો માત્ર ડિઝાઇન જ નહીં પરંતુ સોનાની શુદ્ધતા, વિશ્વસનીયતા અને પારદર્શિતાને પણ પ્રાથમિકતા આપી રહ્યા છે. આની સાથે જ બજારમાં હળવા વજનની જ્વેલરી અને જૂનું સોનું બદલીને નવું સોનું ખરીદવા (ઓલ્ડ-ગોલ્ડ એક્સચેન્જ) ના પ્રોગ્રામ્સની માંગ ઝડપથી વધી રહી છે.
Dhanteras Gold Buying Rules : ધનતેરસ અને દિવાળીએ સોનું ખરીદતા પહેલાં જાણી લો આ મહત્વના નિયમો
