Breaking News: હવે BSE ની સાથે-સાથે MSEI પર પણ ટ્રેડ થઈ શકશે NSE ના શેર, રોકાણકારોને થશે ‘મોટો ફાયદો’
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના IPO પછી તેના શેર માત્ર BSE પર જ નહીં પણ MSEI પર પણ ટ્રેડ થઈ શકશે. આનાથી રોકાણકારોને શેર ખરીદવા-વેચવા માટે એક નવો વિકલ્પ મળશે અને લિક્વિડિટી વધશે. બીજું કે, લિસ્ટિંગના દિવસે મોટા ફંડ્સ દ્વારા ₹10,000 કરોડનું વેચાણ થઈ શકે છે પરંતુ ખરીદદારોની માંગને કારણે બજાર આ દબાણ સરળતાથી સંભાળી લેશે તેવી શક્યતા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના બહુપ્રતિક્ષિત આઈપીઓ (IPO) ને લઈને બજારમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. SEBI ના નિયમો મુજબ કોઈ પણ સ્ટોક એક્સચેન્જ પોતાના પ્લેટફોર્મ પર પોતાના જ શેરનું લિસ્ટિંગ (Self-listing) કરી શકતું નથી. આ જ કારણે એ નક્કી હતું કે, NSE ના શેર BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટ થશે. એવામાં હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, NSE ના શેર માત્ર BSE પર જ નહીં પરંતુ MSEI (Metropolitan Stock Exchange of India) પર પણ લિસ્ટ અને ટ્રેડ થશે.

ભારતીય બજારમાં આ પગલું ક્રોસ-લિસ્ટિંગ અને મલ્ટિ-એક્સચેન્જ લિક્વિડિટીને પ્રોત્સાહન આપવાના હેતુથી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હવે જ્યારે NSEના IPOનું લિસ્ટિંગ થશે, ત્યારે રોકાણકારો અને ટ્રેડર્સ BSE-MSEI બંને પ્રમુખ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ દ્વારા NSE ના શેરોને સરળતાથી ખરીદી તેમજ વેચી શકશે.

MSEI પર લિસ્ટિંગ થવાથી આ એક્સચેન્જના ટ્રેડિંગ વોલ્યુમ અને બજાર હિસ્સેદારીમાં પણ મોટો ઉછાળો આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોકાણકારો માટે આ લિસ્ટિંગનો સૌથી મોટો ફાયદો એ થશે કે, તેમને ટ્રેડિંગ માટે સારી પ્રાઈસ ડિસ્કવરી અને લિક્વિડિટીનો વિકલ્પ મળશે.

જો કોઈ એક એક્સચેન્જ પર ટેકનિકલ અડચણ આવે છે, તો રોકાણકારો બીજા એક્સચેન્જ દ્વારા કોઈ પણ અવરોધ વિના પોતાની પોઝિશન મેનેજ કરી શકશે. NSE નો IPO ભારતીય મૂડી બજારનો સૌથી મોટો અને ચર્ચિત IPO બનવાનો છે, જેનું લિસ્ટિંગ BSE-MSEI બંને પર જોવા મળશે.

જણાવી દઈએ કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE ના શેરનું લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિસ્ટિંગ થતાં જ આશરે ₹10,000 કરોડનું વેચાણ થઈ શકે છે. આવા સમયે સવાલ ઊઠવો સ્વાભાવિક છે, શું આટલા મોટા વેચાણથી આખા બજાર પર દબાણ આવશે?

NSE એ એક્સચેન્જ છે, જ્યાં રોકાણકારો કંપનીઓના શેર ખરીદે અને વેચે છે. હવે NSE નો પોતાનો શેર પણ બજારમાં કારોબાર માટે આવવાનો છે. ઉપલબ્ધ રિપોર્ટ મુજબ, એનું લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરના રોજ થશે. NSE નો IPO પૂરેપૂરો હાલના શેરધારકો તરફથી શેર વેચાણ (OFS) નો છે. IPO થી એકત્ર થયેલા પૈસા NSE ને નહીં મળે.

CNBC આવાજના મેનેજિંગ એડિટરના જણાવ્યા મુજબ, આ બજાર માટે એક મોટો ઈવેન્ટ છે. તેમના બતાવેલા આંકલન મુજબ કેટેગરી-2 AIF (ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) 24 સપ્ટેમ્બરના રોજ NSE ના શેર વેચી શકે છે. સરળ શબ્દોમાં, એવો ફંડ જેમાં રોકાણકારોના પૈસા એકઠા કરીને નક્કી કરેલી રણનીતિ મુજબ રોકવામાં આવે છે. કેટેગરી-2 આવા ફંડની એક શ્રેણી છે.

હવે એ ₹10,000 કરોડના આંકડા પર આવો. અંદાજ એવો છે કે, જો આ ફંડ લિસ્ટિંગ પછી શેર વેચવાનો નિર્ણય લે છે, તો આશરે ₹10,000 કરોડનું વેચાણ થઈ શકે છે. આ સંભવિત વેચાણ છે, થઈ ચૂકેલું વેચાણ નથી. વાસ્તવમાં કેટલા શેર વેચાશે, એ ફંડના નિર્ણયો અને એ દિવસે મળતા ખરીદદારો પર આધાર રાખશે.

જો ફંડ શેર વેચે છે, તો તેમને પૈસા મળશે. એ પૈસા આગળ બીજા શેરોમાં રોકાઈ શકે છે, તેથી બજારની નજર આના પર છે. જો કે, વેચીને મળેલા આખા પૈસા તરત જ બજારમાં પાછા ફરશે, એની કોઈ ગેરંટી નથી. ફંડ તેને થોડો સમય રોકી પણ શકે છે. મેનેજિંગ એડિટરનું માનવું છે કે, આટલું વેચાણ બજારમાં એબ્સોર્બ થઈ જવું જોઈએ. એબ્સોર્બનો સીધો અર્થ એ છે કે, વેચનારાઓની સામે એટલા ખરીદદારો આવી જાય કે વેચાણનું દબાણ બજાર સંભાળી લે. આ દરમિયાન નિફ્ટી પર 23,200 અને ત્યારબાદ 23,100 ને મહત્વપૂર્ણ સપોર્ટ બતાવવામાં આવ્યો છે. સપોર્ટ એ સ્તર છે, જ્યાં ઘટતા બજારમાં ખરીદી આવવાની આશા રહે છે. નિફ્ટી 23,200 ની આસપાસ કેવી રીતે ટકે છે અને એની નીચે જવા પર 23,100 પાસે શું થાય છે? એ જોવું પડશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?
