PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, લદાખમાં 11 હજાર ફુટ પર બનેલું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર, દેશને ટૂંક સમયમાં મળશે ભેટ
પૂર્વ ખેલ મંત્રી કિરેન રિજિજુએ થોડા સમય પહેલા મેદાનની તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે આ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.


ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રવિવારે જાહેરાત કરી હતી કે લદ્દાખમાં બનાવવામાં આવનાર ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર છે અને ટૂંક સમયમાં ચાહકોને તેની ભેટ મળશે. તેમણે મન કી બાતમાં કહ્યું, 'આજે હું તમારી સાથે લદ્દાખ વિશે એવી માહિતી શેર કરવા માંગુ છું, જેના વિશે જાણીને તમને ચોક્કસપણે ગર્વ થશે. લદ્દાખને ટૂંક સમયમાં એક અદ્ભુત ઓપન સિન્થેટિક અને એસ્ટ્રો ટર્ફ સ્ટેડિયમ મળવા જઈ રહ્યું છે.

પહાડોની વચ્ચે બનેલું આ સુંદર સ્ટેડિયમ લેહના સ્પિતુકમાં છે. ફૂટબોલ સ્ટેડિયમ દરિયાની સપાટીથી 11000 ફૂટ ઉપર બાંધવામાં આવ્યું છે અને તે ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ભાગ છે. તેમાં લગભગ 2500 દર્શકોની બેઠક ક્ષમતા છે.

સરકારે ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લોકો માટે વિવિધ રમત સુવિધાઓ વિકસાવવા માટે આ પહેલ કરી છે, જે અંતર્ગત આ દૂરના વિસ્તારમાં આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. ગત વર્ષે પૂર્વ ખેલ મંત્રી કિરેન રિજિજુએ તેની તસવીરો શેર કરી હતી.

આ ફૂટબોલ સ્ટેડિયમની સાથે અહીં હજાર બેડની યુથ હોસ્ટેલ પણ બનાવવામાં આવી રહી છે. તે પછી તે દેશનું સૌથી આકર્ષક ફૂટબોલ ટ્રેનિંગ સેન્ટર અને સ્પોર્ટ્સ ઈવેન્ટ સેન્ટર બની જશે. કોરોનાના પડકારો છતાં આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂરો થયો.






































































