રોકાણકારો માટે મોટા સમાચાર ! બજેટ 2026માં ઇન્વેસ્ટમેન્ટના નિયમોમાં ઘણા ફેરફારો થવાની શક્યતા, AMFIએ મહત્વપૂર્ણ મુદ્દા સરકાર સામે મુક્યા
'મ્યુચ્યુઅલ ફંડ' રોકાણકારો માટે મોટા સમાચાર છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) એ બજેટ 2026-27 માટે સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ રજૂ કરી છે.

'મ્યુચ્યુઅલ ફંડ' રોકાણકારો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાએ બજેટ 2026-27 માટે સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ રજૂ કરી છે. આમાં ELSS પર અલગ ટેક્સ છૂટ, ડેટ ફંડ્સ માટે ઇન્ડેક્સેશન બેનિફિટની વાપસી અને ટેક્સના નિયમોમાં ફેરફાર જેવી માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અસર રોકાણકારો પર પડી શકે છે.

AMFI એ સરકાર પાસે માંગ કરી છે કે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ની સાથે ઇન્ડેક્સેશન બેનિફિટ ફરી શરૂ કરવામાં આવે, જેને 'બજેટ 2024' માં હટાવી દેવામાં આવ્યો હતો. પ્રસ્તાવ મુજબ, જો કોઈ રોકાણકાર ડેટ ફંડને 36 મહિનાથી વધુ સમય માટે હોલ્ડ કરે છે, તો તેને ઇન્ડેક્સેશન વગર 12.5% ટેક્સ અથવા ઇન્ડેક્સેશન સાથે 20% ટેક્સનો વિકલ્પ મળવો જોઈએ.

AMFI નું કહેવું છે કે, ડેટ ફંડ્સ ખાસ કરીને સિનિયર સિટિઝન અને નિવૃત્ત લોકો માટે મહત્વનો રોકાણ વિકલ્પ છે, કારણ કે તેમાં સ્થિર વળતર અને ઓછું જોખમ હોય છે. આ સાથે જ, મજબૂત ડેટ માર્કેટથી સરકાર અને કંપનીઓને ફંડ એકત્ર કરવામાં પણ મદદ મળે છે.

AMFI ઈચ્છે છે કે, નવા ટેક્સ રિજીમ (કર વ્યવસ્થા) માં પણ ELSS (ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ) પર અલગથી ટેક્સ ડિડક્શન (કર છૂટ) આપવામાં આવે. આનો ફાયદો એ થશે કે, ELSS એક સરળ અને સસ્તો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન (રોકાણ વિકલ્પ) બની રહેશે.

AMFI એ માંગણી કરી છે કે, જો ફંડ ઓફ ફંડ્સ (FoF) આવા ઇક્વિટી ફંડ્સમાં ઓછામાં ઓછા 90% રોકાણ કરે છે, તો તેને પણ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સની શ્રેણીમાં સમાવવામાં આવે. અત્યારે સમસ્યા એ છે કે, FoF પરોક્ષ (Indirect) રીતે ઇક્વિટીમાં રોકાણ કરવા છતાં તેમને ઇક્વિટી ફંડ જેવો ટેક્સ ફાયદો મળતો નથી. AMFI એ એમ પણ કહ્યું છે કે, CBDT એ સ્પષ્ટ કરવું જોઈએ કે, FoF એકથી વધુ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરી શકે છે, જેથી નિયમોમાં કોઈ મૂંઝવણ ન રહે.

આ સિવાય AMFI એ માંગ કરી છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) પર લાગતો STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) ફરીથી જૂના દરો પર લાવવામાં આવે. AMFI નું કહેવું છે કે, આર્બિટ્રેજ ફંડ્સ (Arbitrage Funds) અને ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ હેજિંગ માટે F&O નો ઉપયોગ કરે છે. ટેક્સ અને STT વધવાને કારણે આ ફંડ્સનો ખર્ચ (cost) વધી ગયો છે. આનાથી રોકાણકારોના વળતર (returns) પર નકારાત્મક અસર પડે છે.

AMFI નું કહેવું છે કે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ ઓછામાં ઓછું 65% રોકાણ ReITs અથવા InvITs માં કરે છે, તેમને પણ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ જેવી ટેક્સ ટ્રીટમેન્ટ (કર વ્યવસ્થા) મળવી જોઈએ. AMFI ના મતે, ReITs અને InvITs દ્વારા રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લાંબાગાળાની સ્થિર મૂડી મળે છે. સારા ટેક્સ વ્યવસ્થાથી આ સેક્ટર્સમાં રોકાણ વધશે અને દેશના વિકાસને (Growth) સમર્થન મળશે.

AMFI એ પ્રસ્તાવ મૂક્યો છે કે, તમામ મ્યુચ્યુઅલ ફંડ્સને મ્યુચ્યુઅલ ફંડ લિંક્ડ રિટાયરમેન્ટ સ્કીમ (MFLRS) શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. આમાં માંગ કરવામાં આવી છે કે, તેને NPSની જેમ EEE ટેક્સ ટ્રીટમેન્ટ મળે. આમાં કર્મચારી અને એમ્પ્લોયર (નિયોક્તા) બંનેના યોગદાન પર ટેક્સમાં છૂટ આપવામાં આવે. ટૂંકમાં, નિવૃત્તિના હિસાબે ખાસ નિયમો નક્કી કરવામાં આવે, તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં ટેક્સ બેનિફિટ ફક્ત NPSમાં જ મળે છે. AMFIનું માનવું છે કે, જો મ્યુચ્યુઅલ ફંડ્સને પણ આ સુવિધા મળે, તો લોકોને રિટાયરમેન્ટ માટે વધુ બચત કરવાનું પ્રોત્સાહન મળશે.

AMFI એ ડેટ લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (DLSS) શરૂ કરવાની માંગ કરી છે, જેથી ભારતનું બોન્ડ માર્કેટ મજબૂત કરી શકાય અને રોકાણકારોને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ આકર્ષી શકાય. AMFI દ્વારા ELSS ના નિયમ 3A માં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે, જેથી રોકાણ ફક્ત 500 રૂપિયાના ગુણાંકમાં (Multiples) જ નહીં પરંતુ કોઈપણ રકમમાં કરી શકાય.

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 112A હેઠળ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ની ટેક્સેબિલિટી (કરપાત્રતા) અંગેના નિયમોમાં સ્પષ્ટતા લાવવાની માંગ કરવામાં આવી છે. AMFI એ મ્યુચ્યુઅલ ફંડ - વોલન્ટરી રિટાયરમેન્ટ એકાઉન્ટ (MF-VRA) શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અમેરિકાની 401(k) રિટાયરમેન્ટ સ્કીમની જેમ કામ કરશે.

એક જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની અંદર યુનિટ સ્વિચિંગ પર ટેક્સ ટ્રીટમેન્ટમાં સમાનતા (Tax Parity) આપવાની માંગ કરવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતી આવક પર TDS કાપવાની લઘુત્તમ મર્યાદા (Minimum Limit) વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

AMFI ઈચ્છે છે કે, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને પણ ‘Specified Long-Term Asset’ માનવામાં આવે, જેથી તેના પર LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન) માંથી રાહત મળી શકે. આ સાથે જ AMFI ની માંગ છે કે, સેક્શન 87A હેઠળ મળતી ટેક્સ છૂટને સ્પેશિયલ ટેક્સ રેટ (જેમ કે 111A, 112, 112A) વાળી આવક પર પણ લાગુ કરવામાં આવે.
આ પણ વાંચો: Budget 2026 : 1 ફેબ્રુઆરીએ જ કેમ રજૂ કરવામાં આવે છે અંદાજપત્ર ? આ તારીખ પાછળનું રહસ્ય શું છે ?
