દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર, ચીનની પણ રહેશે ચાંપતી નજર- જુઓ Photos
એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ઠ નમૂનો એટલે તમિલનાડુનો પંબન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ-સી રેલવે બ્રિજ છે.અનેકવિધ ખાસિયતો ધરાવતો પંબન બ્રિજ હવે બનીને તૈયાર છે,જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીના અંત સુધીમાં થઇ શકે છે


એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ઠ નમૂનો એટલે તમિલનાડુનો પંબન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ-સી રેલવે બ્રિજ છે.અનેકવિધ ખાસિયતો ધરાવતો પંબન બ્રિજ હવે બનીને તૈયાર છે,જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીના અંત સુધીમાં થઇ શકે છે.

તમિલનાડુથી રામેશ્વરમ વચ્ચેની મન્નાર ખાડીમાં હાઈડ્રોલિક રેલવે બ્રિજ ‘પંબન બ્રિજ' બનીને તૈયાર છે... જે ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ-સી રેલવે બ્રિજ છે.નવો પંબન બ્રિજ જૂના પંબન બ્રિજનું સ્થાન લેશે.તમિલનાડુના પંબન ગામ અને રામેશ્વરમ ટાપુને જોડતો આ પુલ આધુનિક એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે.બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1914માં પંબન બ્રિજનું નિર્માણ થયું હતું.પરંતુ તેનો અમુક ભાગ જર્જરિત થતાં તેને બંધ કરવામાં આવ્યો હતો. હવે નવનિર્મિત પંબન બ્રિજ 108 વર્ષ જૂના બ્રિજનું સ્થાન લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2019માં નવા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો.ડિસેમ્બર-2021 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો.પરંતુ કોવિડ-19 રોગચાળા અને પડકારજનક હવામાન પરિસ્થિતિઓને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો, હવે બ્રિજ તૈયાર હોવાથી ફેબ્રુઆરીના અંત સુધીમાં પીએમ મોદી તેને દેશને સમર્પિત કરી શકે છે... રેલવેના જણાવ્યા અનુસાર નવા પંબન બ્રિજને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

નવા પંબન બ્રિજની ખાસયતો જોઇએ તો.નવા પંબન બ્રિજની કુલ લંબાઇ 2.08 કિલોમીટર છે અને તેના નિર્માણ પાછળ કુલ 531 કરોડનો ખર્ચ થયો છે.નવા બ્રિજના નિર્માણમાં 5 વર્ષનો સમય લાગ્યો છે.બ્રિજમાં 48.3 મીટરના કુલ 99 સ્પાન અને 72.5 મીટરના ક્લિયર સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.પુલ પર સ્થિત ટાવર 34 મીટરની ઉંચાઇ પર છે.જ્યારે કે ટ્રેક સહિત લિફ્ટ સ્પાનનું કુલ વજન 1,470 મેટ્રિક ટન છે.પુલના વર્ટિકલ લિફ્ટ સ્પેનનું વજન 660 મેટ્રિક ટન છે.નવા બ્રિજ પર બે રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેનાથી ટ્રેનોના આવાગમનમાં સરળતા રહે.બ્રિજ શરૂ થયા બાદ પ્રારંભે એક દિવસમાં 12 ટ્રેનો તેના પરથી પસાર થઇ શકશે.બ્રિજ પર ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.રામેશ્વરમાં ક્યારેક 100 કિમીની ઝડપે પવન ફૂંકાય છે.આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નલને વિન્ડ સ્પીડ સાથે કનેકટ કરવામાં આવ્યું છે.જો પવનની ગતિ 50 કિમીથી વધી જશે તો ટ્રેન જાતે જ થંભી જશે.

બ્રિજ નીચેથી જહાજો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેવિગેશનલ સ્પાનને 17 મીટર જેટલો ઊંચો કરી શકાય છે.બ્રિજને હાઈડ્રોલિક સિસ્ટમથી ઊંચો નીંચો કરવામાં આવશે.

કોઈ વિશાળ ક્રૂઝ શિપ પસાર થશે તો આ બ્રિજ ઉપર કરવામાં આવશે અને ટ્રેન આવે ત્યારે આ બ્રિજ રેલવે ટ્રેકને સમાંતર જોડાઈ જશે, જેના પરથી સરળતાથી ટ્રેન પસાર થઈ શકશે.

































































