CAA હેઠળ પહેલીવાર 300 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે 14ને આપ્યા પ્રમાણપત્ર
CAA લાગુ થયા બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા 300 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે આવા 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર પણ આપ્યા હતા. આ શરણાર્થીઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય નાગરિકતા મેળવવાની લડાઈ લડી રહ્યાં હતા.
નાગરિકતા (સંશોધન) નિયમો, 2024 અમલમાં આવ્યા પછી, આજે બુધવારે પ્રથમ વખત 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ, 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્રો આપવા સાથે અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા.
CAA આ વર્ષે 11 માર્ચે લાગુ કરવામાં આવ્યો હતો
કેન્દ્ર સરકારે આ વર્ષે 11 માર્ચે, દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ, ભારતના ત્રણ પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જો કે, આ કાયદાનો લાભ ફક્ત તે લોકોને જ મળી શકે છે જેઓ 31 ડિસેમ્બર અથવા તે પહેલા ભારત આવ્યા હોય. આ કાયદા હેઠળ પડોશી દેશમાંથી ભારતમાં આવેલ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓએ અરજી કરી હતી.
CAAની જોગવાઈ શુ છે
ડિસેમ્બર 2019 માં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવા માટે સીએએ ઘડવામાં આવ્યો હતો. જેઓ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હોવા જોઈએ. નાગરિકતા કાયદો નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા પ્રદાન કરે છે. અરજદાર છેલ્લા 12 મહિના દરમિયાન અને છેલ્લા 14 વર્ષમાં 11 મહિના ભારતમાં રહેતો હોવો જોઈએ. સીએએ કાયદો, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલ છ ધર્મો હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી વ્યક્તિઓ માટે છે.