આદિવાસી વિસ્તારોમાં ક્રાંતિ, દેશમાં પહેલીવાર અંતરિયાળ વિસ્તારોમાં લોહીનો જથ્થો ડ્રોનથી પહોંચાડવાની થઈ શરૂઆત
વડોદરાની ઈન્દુ બ્લડ બેંક દ્વારા દેશમાં પહેલીવાર આદિવાસી વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને મફતમાં લોહી પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક લોહીની જરૂરિયાત સમયે મદદ મળશે. 35 કિમી ના અંતરે બ્લડ યુનિટ મોકલવા માટે ડ્રોન 20-25 મિનિટમાં 8 યુનિટ લોહી પહોંચાડી શકે છે, જેનાથી જીવ બચાવવામાં મદદ મળી રહી છે.

દેશમાં પહેલીવાર આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોહીનો જથ્થો પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરાની ઇન્દુ બ્લડ બેંકે ડ્રોનથી ફ્રીમાં લોહી મોકલવાની સેવા શરૂ કરી છે. જાન્યુઆરીથી અત્યાર સુધી 8 વખત આ રીતે ડ્રોનથી ઇમરજન્સીમાં મોકલવામાં આવ્યું છે
આદિવાસી વિસ્તારોમાં ડ્રોન ક્રાંતિ
અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારે એ ક્રાંતિનું રણશિંગુ ફૂંકાયું હોવાનું ગણાતું હતું. જોકે અકસ્માત કે પ્રસૂતિ સમયે જ્યારે લોહી વધુ વહી જાય ત્યારે લોહીનો પુરવઠો મગાવવામાં સમય ઓછો પડે તેવી સ્થિતિનો ઉકેલ પણ હવે ડ્રોન ટેક્નોલોજીની મદદથી લાવવાનું શરૂ કરી દેવાયું છે. 35 કિમી એટલે છેક હાલોલથી ઘોઘંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની મફત સેવા દર્દીઓ માટે શરૂ કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનથી 8 દર્દીઓને અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ડ્રોનમાં 6 કિલો વજન એટલે 8 લોહીના યુનિટ એકસાથે મોકલી શકાય છે. માત્ર 20 થી 25 મિનિટમાં જ લોહી દર્દી સુધી ડ્રોન મારફતે મોકલી શકાય છે.
ડ્રોનથી લોહી પહોંચાડવાની સેવા
વડોદરા શહેરની આસપાસ ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જ્યાં સિકલસેલ એનિમિયા તેમજ સામાન્ય એનિમિયાનું પ્રમાણ પણ વધારે છે. આવી જગ્યાઓમાં મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસને કારણે લોહીની જરૂર પડે ત્યારે સ્થિતિ વિપરીત થતી હોય છે. આ પ્રોજેક્ટ પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયો છે. ડ્રોન વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપનીએ પૂરાં પાડ્યાં છે. આ ડ્રોન રૂા.32 લાખના છે. આ જ કંપનીએ ડ્રોન પાઇલટ પણ આપ્યાં છે. હાલમાં હાલોલમાં બ્લડ બેંક છે, જેથી હાલોલથી 22 કિમી અંતરે આવેલા ઘોઘંબા અને 35 કિમી અંતરે આવેલા બોડેલી સુધી લોહીનો પુરવઠો કટોકટીની સ્થિતિમાં પહોંચાડવામાં આવે છે . લોહીના જથ્થાની સેવા પૂરી પાડવા અગાઉ બેંગ્લોર અને હૈદ્રાબાદમાં ડ્રોનથી લોહીનો જથ્થો પૂરો પાડવાની સેવાઓનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ થઇ ચૂક્યો હતો, પણ નિયમિતપણે સેવાઓ દેશમાં પહેલીવાર હાલોલથી શરૂ કરવામાં આવ્યો છે .
ડ્રોનથી અંતરિયાળ વિસ્તારોમાં લોહી પહોંચાડવાનું શરૂ
ડ્રોન ચલાવવા માટે સ્પેશિયલ ટ્રેઈન્ડ પાયલોટ લેવામાં આવ્યો છે. જે સમયસર દર્દી સુધી લોહી પહોચી જાય અને ડ્રોનથી કોઈ વ્યક્તિને ઈજા ન થાય તે ખાસ ધ્યાન રાખે છે. આ પાયલોટ ખાસ ટ્રેનિંગ લઈને આવે છે, સાથે જ DGCI તરફથી તેમને સર્ટિફેકેટ પણ આપવામાં આવે છે. ડ્રોનના પાયલોટ કહે છે કે હાલમાં હેક્ઝા એટલે કે 6 પાંખિયું ડ્રોન અને ક્વોડ 4 પાંખિયું ડ્રોન લાવવામાં આવ્યું છે. હેક્ઝા 4 લિટર જેટલો જથ્થો એકવારમાં 30 કિમી, જ્યારે ક્વોડ 14 કિમી અંતર 2 લિટરની તેની સંપૂર્ણ પે-લોડ ક્ષમતા સાથે કાપી શકે છે. આ ડ્રોનને ઓપરેટ કરવા માટે 2 ડ્રોન પાઇલટની પણ નિમણૂક કરાઇ છે. હેક્ઝા 4 બેટરી વડે લગભગ 40 કિમી સુધીનું પણ અંતર કાપી શકે છે.