સુરતમાં પ્રિનવરાત્રીમાં ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાના સંદેશ સાથે ગરબે ઘુમ્યા ખેલૈયાઓ- Video
નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં નવરાત્રી અગાઉ પ્રીનવરાત્રીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રી નવરાત્રીમાં લોકો અનોખી રીતે ગરબે ઘૂમ્યા હતા. આ પ્રી નવરાત્રીમાં લોકો દાંડિયાની જગ્યાએ ડ્રગ્સ અને વ્યસનથી દુર રહેવાના સંદેશા સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા
નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ખેલૈયાઓ દ્વારા નવરાત્રીમાં મનમુકીને ગરબે ઘુમવા માટે તડામાર તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં મોટા મોટા ડોમ તેમજ શેરી ગલ્લામાં નવરાત્રીની રમઝટ જામે છે. બીજી તરફ સુરત શહેરમાં નવરાત્રી અગાઉ પ્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી જ એક પ્રી નવરાત્રીનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું. જેમાં લોકો અનોખી રીતે ગરબે ઘૂમ્યા હતા જેમાં દાંડિયાની જગ્યાએ ડ્રગ્સ અને વ્યસનથી દુર રહેવાનો સંદેશ લોકોએ આપ્યો હતો.
દાંડિયાના બદલે ખેલૈયાના હાથમાં ડ્રગ્સ અંગે જાગૃતિ સંદેશ આપતા બેનરો જોવા મળ્યો
સુરતના ગૌરવપથ રોડ પર આવેલ એક હોલમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રી નવરાત્રીના આયોજનમાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો મનમુકીને ગરબે ઘૂમ્યા હતા પરંતુ આ પ્રી નવરાત્રી અનોખી હતી કારણ કે લોકોના હાથમાં દાંડિયા નહી પરંતુ ડ્રગ્સ અંગે જનજાગૃતિના બેનરો હતા. લોકો ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડ્રગ્સથી લોકોને દુર રહેવાના સંદેશા સાથેના બેનરો સાથે ગરબે ઘૂમ્યા હતા. સે નો ટુ ડ્રગ્સ, જીવનને હા કહો અને ઝેરને કહો ના જેવા વિવિધ લખાણ સાથેના બેનરો સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા અને ડ્રગ્સ અને વ્યસનથી દુર રહેવાનો સંદેશો આપ્યો હતો
ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ડ્રગ્સએ સમાજમાં ફેલાઈ રહેલું મોટું દુષણ છે. ડ્રગ્સના કારણે ઘણા યુવાનો અને પરિવારની જિંદગી બરબાદ થાય છે. જેથી સ્વસ્થ અને સારા સમાજના નિર્માણ માટે ડ્રગ્સના સેવનથી દુર રહેવું જોઈએ. આજે આ પ્રી નવરાત્રીમાં જનજાગૃતિ માટે ડ્રગ્સનું દુષણ ના ફેલાય તે માટે પ્રચાર કર્યો છે. આજે દાંડિયાના બદલે આ બેનરો હાથમાં લઈને ગરબે રમ્યા છીએ. 60 વર્ષીય વૃદ્ધએ જણાવ્યું હતું કે નવરાત્રીમાં દાંડિયાથી તો અમે દર વર્ષે ગરબા રમીએ છીએ, મારી ઉમર આજે 60 વર્ષ છે અને 60 વર્ષની ઉમરમાં પણ હું ફીટ અને તંદુરસ્ત છું જેનું કારણ છે કે મેં ડ્રગ્સનું સેવન ક્યારેય નથી કર્યું, ડ્રગ્સથી પોતે અને પોતાના બાળકોને પણ દુર રાખવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ડ્રગ્સથી દુર રહે તે માટે જનજાગૃતિ અંતર્ગત અનેક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે નવરાત્રી પર્વમાં લોકો પણ ડ્રગ્સ અંગેના જનજાગ્રતિ સાથેના બેનરો સાથે ગરબે ઘૂમ્યા હતા અને સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે લોકોને ડ્રગ્સથી દુર રહેવાનો સંદેશો આપ્યો હતો.