Video : ગાંધીનગરમાં ગુજરાતનું સૌથી ઊંચું અને ભવ્ય હોળીકા દહન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
રાજ્યભરમાં હોળીની ઉજવણીનો આનંદ છવાયો છે. ગાંધીનગરના પાલજ ગામમાં 35 ફૂટ ઉંચી ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી. 700 વર્ષથી ચાલતી આ પરંપરામાં હજારો લોકો ભાગ લે છે.

રાજ્યભરમાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં રાજ્યની સૌથી ઊંચી અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી છે, જે 35 ફૂટની ઊંચાઈ ધરાવે છે. હોળીના દર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા અને મહાકાળી માતાના પૂજન સાથે આ પ્રગટ્યનો આરંભ થયો હતો.
પાલજ ગામમાં 700 વર્ષથી આ પરંપરા નિભાવાઈ રહી છે. અહીં 30 x 35 ફૂટની આકૃતિવાળી હોળી પ્રગટાવવામાં આવે છે, જેના ધગધગતા જ્વાળાઓ આશરે 100 ફૂટ સુધી ઊંચા ઉઠતા જોવા મળે છે. આ અનોખો અને અલૌકિક દૃશ્ય દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ગામના મહાકાળી માતાના મંદિર પ્રત્યે શ્રદ્ધા દર્શાવવા માટે પ્રગટ્ય પછી અહીંના પૂજારી અને ગ્રામજનો ધગધગતા અંગારા પર ચાલે છે. શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું આ દૃશ્ય લોકો માટે અદભૂત અનુભવ સર્જે છે અને ખાસ વાત એ છે કે આ પરંપરામાં આજદિન સુધી કોઈપણ દુર્ઘટના ઘટી નથી.
પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી#Gandhinagar #Gujarat #TV9News #TV9Gujarati pic.twitter.com/JAYwNIrZzp
— Tv9 Gujarati (@tv9gujarati) March 13, 2025
હોળી પ્રગટ્ય માટે દસથી પંદર દિવસ પહેલાં જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગામના યુવાનો 200 થી 300 ટન લાકડાં ભેગા કરે છે અને 35 ફૂટ ઊંચી હોળી માટે સુવિધાઓ ગોઠવે છે. આ સમયે કેરી, મહુડો અને રાયસના ડોડાના હાર બનાવવાની પરંપરા છે અને ભક્તો હોળીની પરિક્રમા કરે છે. માન્યતા છે કે આ તાપ લીધા પછી વર્ષ દરમિયાન શારીરિક તકલીફો રહેતી નથી.
હોળીના દિવસે ગામમાં મેળાનું પણ આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ પર્વની વિશિષ્ટતા એ છે કે હોળીના જ્વાળાની દિશા પરથી આવનાર વર્ષ માટે ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ પરંપરાએ પાલજ ગામને ગુજરાતભરમાં આગવી ઓળખ અપાવી છે.