સાબરકાંઠાઃ ટોળાએ DySPની પોલીસ કાર સળગાવવાનો મામલો, આખરે સંતોષાઈ જશે માંગ, જુઓ
હિંમતનગર નજીક નેશનલ હાઈવે ચક્કાજામ કર્યા બાદ DySP ની સરકારી પોલીસની જીપને ટોળાએ સળગાવી દેવાની ઘટના બની હતી. ગામડી ગામનો યુવક સહકારી ડેરીમાં દૂધ ભરાવીને પરત ફરવા દરમિયાન એક વાહને અડફેટે લેતા મોત નિપજ્યું હતુ. યુવકના મોત બાદ સ્થાનિકોમાં ઓવરબ્રીજના નિર્માણ કરવાની માંગ સાથે રોષ ફેલાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક નેશનલ હાઈવે ચક્કાજામ કર્યા બાદ DySP ની સરકારી પોલીસની જીપને ટોળાએ સળગાવી દેવાની ઘટના બની હતી. ગામડી ગામનો યુવક સહકારી ડેરીમાં દૂધ ભરાવીને પરત ફરવા દરમિયાન એક વાહને અડફેટે લેતા મોત નિપજ્યું હતુ. યુવકના મોત બાદ સ્થાનિકોમાં ઓવરબ્રીજના નિર્માણ કરવાની માંગ સાથે રોષ ફેલાયો હતો. સ્થાનિક લોકો ટોળાબંધી સાથે એકઠા થયા હતા અને રોષે ભરાઈને પોલીસ પર હુમલો કર્યો હતો.
ટોળાએ પહેલા ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો અને રસ્તા પર ટાયર સળગાવીને રોષ ઠાલવ્યો હતો. નેશનલ હાઈવે પર જ આડશો મુકી દેવામાં આવી હતી હાઈવેની બંને તરફ પાંચ થી સાત કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. જેને લઈ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.
ટૂંક સમયમાં બ્રિજ નિર્માણકાર્ય શરુ થશે
ઘટનામાં સ્થાનિક લોકોએ ઓવરબ્રીજ નિર્માણ અંગેની માંગ કરી છે. સ્થાનિક લોકોએ અગાઉ પણ ત્રણેક વર્ષ પહેલા અહીં ઓવરબ્રીજ માટેની માંગ કરી હતી. જે વખતે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે હવે ફરી એકવાર શુક્રવારે વહેલી સવારે અકસ્માત સર્જાતા જ લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. વિસ્તારના લોકો ટોળા સ્વરુપ નેશનલ હાઈવે પર એકઠા થયા હતા અને ચક્કાજામ કર્યો હતો.
જોકે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે એસપી વિજય પટેલે વાતચીત કરી હતી. નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારા ઓવરબ્રીજ કાર્ય ઝડપથી હાથ ધરાશે એમ જણાવ્યું હોવાનો દાવો એસપીએ કર્યો હતો. નેશનલ હાઈવેને સિક્સ લાઈનમાં ફેરવાઈ રહ્યો છે. આ માટેની એજન્સીનું કાર્ય ધીમું અને યોગ્ય નહીં હોવાને લઈ બ્લેકલીસ્ટ કરવામાં આવ્યું હતુ. જેથી કોન્ટ્રાક્ટરે કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. જે સ્ટે ગત 14 મેના રોજ હટી જવા પામ્યો છે. આમ હવે નવેસરથી ટેન્ડરની પ્રક્રિયા થશે અને જેમાં ગામડીના બ્રિજનો પણ સમાવેશ હોઈ તે કામ પણ નવી એજન્સીને સોંપવામાં આવશે. આમ નવી એજન્સી દ્વારા ટૂંક સમયમાં જ કામ હાથ ધરાઈ શકે છે.
ટોળાએ પોલીસ કાર સળગાવી દીધી
રોષે ભરાયેલા ટોળાએ સ્થાનિક ડીવાયએસપીની કારને સળગાવી દીધી હતી. અન્ય બે પોલીસ વાહનને પણ નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા 120 કરતા વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે થઈને આટલી મોટી માત્રામાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
ટોળાએ લાંબો સમય સુધી હાઈવે પર હંગામો મચાવીને અવરજવરને થોભાવી દીધી હતી. ઘટનાને પગલે હાઈવે પર બંને તરફ લાંબી કતારો લાગી હતી અને જેને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. ઘટનાને પગલે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે પણ સ્થળની ટૂંકી મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ