“ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં લલનાઓને બોલાવી મુજરા કરાવાય છે, અખાડામાં દારુ પાર્ટીઓ થાય છે”- મહેશગીરીના સનસનીખેજ આરોપો
જુનાગઢમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ને જુના અખાડાના બંધારણ મુજબ નિયમોનો ભંગ કરવા બદલ અખાડામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે મહેશગીરીએ હરીગીરી બાપુ અને જુનાગઢના પૂર્વ મેયર ગિરીશ કોટેચા સામે સનસનીખેજ આરોપો લગાવ્યા છે. જેમા મહાશિવરાત્રિના મેળામાં લલનાઓને બોલાવી મુજરો કરાવ્યો હોવાનો દાવો પણ મહેશગીરીએ કર્યો છે.
એકતરફ મહાકુંભમાં આવેલા એ નાગા સન્યાસીઓ છે જેઓ ખુદનું પણ પિંડદાન કરી ચુક્યા છે, દિક્ષા લીધા બાદ સંસારની કોઈ મોહ માયા તેમને સ્પર્શતી નથી. કપડા સહિતનાનો ત્યાગ કરી ચુકેલા આ સન્યાસીઓ સનાતનના પ્રહરીઓ છે અને સનાતનને લાંછન લાગે તેવુ કોઈ કામ કરતા નથી, બીજી તરફ જુનાગઢમાં કેટલાક સાધુઓ વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારી છે. જે હવે એટલી હદે પહોંચી ગઈ છે કે બંને પક્ષે બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે. સાધુતા લાજે એ પ્રકારના બેફામ નિવેદન કરવામાં આવી રહ્યા છે. આ બધુ થયા બાદ મહાકુંભમાં જ જુના અખાડાના મહામંડલેશ્વર દ્વારા મહેશગીરીને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે તેનાથી મહેશગીરીના વર્તનમાં કોઈ ફર્ક નથી પડ્યો. તેઓ તો જાણે લાજવાને બદલે પહેલા કરતા વધુ ગાજવા લાગ્યા છે.
“હરીયો અને ગીરીયો બંને ભ્રષ્ટાચારી છે”
અખાડામાંથી બરતરફ કરાયા બાદ મહેશગીરી તમામ લાજ શરમ જાણે નેવે મુકી દીધી છે અને આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરી બાપુ સામે ગંભીર આક્ષેપ કર્યા. આ સાથે તેમણે જુનાગઢના પૂર્વ મેયર ગીરીશ કોટેચાને પણ આડે હાથ લીધા. મહેશગીરીએ હરીગીરી બાપુ અને ગિરીશ કોટેચા સામે આરોપ લગાવ્યો કે હરીયો અને ગીરીયો બંને ભ્રષ્ટાચારી છે. ગિરીશ કોટેચાનો આખો પરિવાર ટિકિટ માગવા નીકળ્યો છે. આવા ભ્રષ્ટાચારીઓને કારણે જુનાગઢ બદનામ થઈ રહ્યુ છે. આટલેથી ન અટક્તા તેમણે ઉમેર્યુ કે હુમ ભાજપને કહીશ કે લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપો.
“મેળામાં લલનાઓને બોલાવી મુજરો કરાવાયો, અખાડામાં દારૂ પાર્ટીઓ થાય છે”
મહેશગીરીએ ભવનાથમાં દર મહાશિવરાત્રીએ આયોજિત થતા મહામેળા અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે મેળામાં લલનાઓને બોલાવી મુજરા થયા હોવાનો દાવો કર્યો. હરીગીરીના ચેલાઓએ મહાશિવરાત્રીના મેળામાં મુજરા કર્યા હોવાનો આરોપ લગાવ્યો. હરીગીરી અને તેમના ચેલાઓએ મેળાને અપવિત્ર કર્યો હોવાનો આરોપ લગાવ્યો. વધુમાં તેમણે અખાડામાં દારુ પીવાતો હોવાનો આરોપ પણ લગાવ્યો. દારુ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો. ગીરનારના અખાડામાં લલના લવાતી હોવાનો પણ સનસનીખેજ દાવો કર્યો. તેમણે ચીમકી ઉચ્ચારી કે ગિરનારને અપવિત્ર કરનાર હરિગીરીને છોડીશ નહીં.
શું કહ્યુ પૂર્વ મેયર ગિરીશ કોટેચાએ?
ગિરીશ કોટેચાએ મહેશગીરીએ કરેલા તમામ આક્ષેપોને ફગાવતા કહ્યુ કે છેલ્લા 4 મહિનાથી તે ગાંડો થઈ ગયો છે. મહેશગીરી સાધુ નથી સાધુ વેશમાં રહેલો શેતાન છે. ગાદી અને સત્તા માટે તમામ હદો વટાવી ગયો છે. આપને જણાવી દઈએ કે અંબાજી મંદિરના ગાદિપતિ મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી આ સમગ્ર વિવાદ શરૂ થયો છે. મહેશગીરીએ તનસુખગીરી સ્વામીએ તેમના ઉત્તરાધિકારી નિમ્યા હોવાનો દાવો કર્યો તો બીજી તરફ તનસુખગીરીના શિષ્યનો દાવો છે કે મહેશગીરીએ હોસ્પિટલમાં જ ખોટી રીતે સહી સિક્કા કરાવી લઈ પોતાને ઉત્તરાધિકારી ગણાવી રહ્યા છે. આ સાથે તેમણે તનસુખગીરીની વસિયત પણ રજૂ કરી હતી. આ વિવાદને પગલે જુના અખાડા દ્વારા વિવાદમાં સામેલ મહેશગીરી સહિત ચાર સાધુઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થયા બાદ પણ મહેશગીરીના વિવાદોનો અંત આવ્યો નથી.
Input Credit- Vijaysinh Parmar- Junagadh