Gujarat Budget 2025 : ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ઉત્તર ગુજરાત કે જ્યાં સમુદ્ર કાંઠો નથી તેવા વિસ્તારને નમોશક્તિ એક્સપ્રેસ-વે દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના શહેરો સાથે જોડી દેવાની યોજના આકાર પામશે. જેના કારણે ગુજરાતના કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વધુ વેગ મળશે.

ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને નવા હાઈસ્પીડ કોરિડોર દ્વારા ઉત્તર ગુજરાતના નાના મોટા શહેરોને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર સાથે તેમજ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોને, અમદાવાદ-રાજકોટ સાથે જોડી દેવાશે.
ગુજરાતના પ્રવાસન ધામના વિકાસ માટે મજબૂત માર્ગના માળખાથી જોડી દેવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેમાં સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે ને અમદાવાદ, રાજકોટ, દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડીને ધાર્મિક યાત્રાધામને સાંકળી લેવામાં આવશે. આ એક્સપ્રેસ વેના કારણે, સોમનાથ જ્યોતિર્લિગના દર્શન કરીને દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકે તેવો સરળ અને સુગમ માર્ગ બનાવાશે. આ માર્ગને કારણે યાત્રાળુઓ સરળતા અને ઝડપથી સોમનાથથી દ્વારકા દેવદર્શને જઈ શકશે.
નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ અંદાજપત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે બનાવાશે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.
એટલું જ નહિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાના પ્રાવધાન અંગે જણાવ્યું હતું કે, આ માર્ગોના વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે.
આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત તેમજ વડોદરા, સુરત, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના અપગ્રેડેશન દ્વારા એરકનેક્ટિવીટી સુદ્રઢ કરવાની બાબતને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વધાવી હતી.
ઉત્તર ગુજરાત કે જ્યાં સમુદ્ર કાંઠો નથી તેવા વિસ્તારને નમોશક્તિ એક્સપ્રેસ-વે દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના શહેરો સાથે જોડી દેવાની યોજના આકાર પામશે. આ અંગે અંદાજપત્રમાં ઉલ્લેખ કરતા નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ઉત્તર ગુજરાતના નાના મોટા શહેરોને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર સાથે નમો શક્તિ એક્સપ્રેસ વે દ્વારા જોડી દેવાથી, કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.