Bharuch : તમને સ્પર્શતી આ ત્રણ ખબરો ઉપર કરો એક નજર, આજે દહેજ રોડ ઉપર પસાર થતા પહેલા આ બાબતનું ધ્યાન રાખજો
નાગરિકો ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર ૧૦૦ ઉપર કરી શકશે. ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે

ભરૂચ – દહેજ રોડ સાડા સાત કલાક બંધ રહેશે
મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેક માટે દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરીના કારણે આજે 12 જાન્યુઆરી ગુરૂવારે થનાર છે. આ કામગીરીના પગલે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ગુરુવાર સવારે 9.30 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભરૂચમાંથી પણ બુલેટ ટ્રેન , એક્સપ્રેસ વે અને ફ્રેઈટ કોરિડોર પસાર થઈ રહ્યાં છે. ત્રણેયની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. જોકે ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ટ્રાફિકના 24 કલાક રહેતા ભારણને કારણે દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી. ટાટા ગ્રુપની એક્સપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. કંપની દ્વારા ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવા આજે 2 જાન્યુઆરીએ બ્લોક માટે ડાયવરઝન અપાયું છે.
આજે ગુરુવારે સવારે 9.30 થી સાંજે 5 વાગ્યા સુધી ભરૂચ-દહેજ રોડ બંધ રહેશે. દહેગામ ખાતે રોડ અંડર બ્રિજ ખાટ્સ ગુડ્ઝ ટ્રેનના ટ્રેક ઉપર ગડર બેસાડવાને લઈ લોકો અને વાહનચાલકોની સલામતી માટે બ્લોક લઈ 7.30 કલાકનો રોડ બ્લોક લેવાયો છે. વિકલ્પ રૂપે વાહનચાલકોને ભરૂચ, થામ, વાગરા, ઓચ્છણ, મુલેર, પણીયાદરા થઈ દહેજ રોડ જવા આવવા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં પતંગના દોરાથી બાઇકચાલક ઈજાગ્રસ્ત
અંકલેશ્વર ગડખોલ બ્રિજ પર બાઈક ચાલક યુવાન પતંગની દોરી ઈજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. બાઈકચલાવતા સમયે અચાનક પતંગની દોરી આવી જતા કપાળનાભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તની મદદે અન્ય વાહન ચાલકો દોડી આવી મદદ કરી હતી. આ સમયે માર્ગ ઉપરથી 108 એમ્યુલન્સ પસાર થતા તેને અટકાવી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
એક તરફ તંત્ર દ્વારા પતંગ દોરીથી કોઈનો જીવ ન જાય એ માટે જન જાગૃતિ સાથે મોપેડ સહીત બાઈક પર સેફટી ગાર્ડ રૂપે તાર લગાવી આપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર શહેર અને જુના નેશનલ હાઇવે નંબર 8 ને જોડાતા ગડખોલ બ્રિજ પર પતંગ દોરીથી બચવા તાર કે ફેન્સીંગ નહિ હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે. અંકલેશ્વરના અલ્પેશ અશોકભાઈ પટેલ બ્રિજ પર પોતાની બાઇક લઇ પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક પતંગની દોરી આવી જતા દોરી યુવાનના કપાળને ચીરી ઊંડે સુધી ખુંપી ગઈ હતી.
ચાઇનીસ દોરાના ઉપયોગ અને વેચાણની આ રીતે પોલીસને માહિતી આપી શકાશે
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રનિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય રારકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
લોક જાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ સાથે સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે.
નાગરિકો ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર ૧૦૦ ઉપર કરી શકશે. ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.