ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 %નો વધારો
ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે.

ગીરમાં એશિયાટિક સિંહ દ્વારા ખોરાક માટે કરતા પ્રાણીઓના શિકાર કરવામાં આવે છે. સિંહના ખોરાકલક્ષી પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું રાજ્યકક્ષાના કેન્દ્રીય વન પ્રધાને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે, રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે.
કેન્દ્રીય રાજ્યકક્ષાના વન મંત્રી કીર્તિવર્ધન સિંહેના જણાવ્યાનુંસાર, ગીરમાં એશિયાઈ સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીને વધારવા અને લાંબા ગાળા માટે તેને ટકાવવા માટેની મુખ્ય પ્રજાતિઓ જેમ કે, હરણ અને સાબરના સંવર્ધન કેન્દ્રોને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે. તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં, વન્ય પ્રાણી તેમના ખોરાક માટે કરતા શિકારમાં પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પધ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે.
મંત્રીના જણાવ્યાનુંસાર સાબર માટેના સંવર્ધન માટે ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. જ્યારે હરણના સંવર્ધન માટે સતવીરડા અને રામપરા ખાતે કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
રાજ્યસભામાં પ્રશ્ન પુછીને સાંસદ પરિમલ નથવાણી, સિંહ માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા, અને ગીરની બહાર સિંહના સ્થળાંતર અટકાવવા માટે સિંહને પૂરતા પ્રમાણમાં શિકાર મળી રહે તે માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓની જાણકારી માગી હતી.
તેમણે ગુજરાતના ગીરમાં સિંહોના શિકાર લાયક એવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા, સિંહોના વિચરણ વિસ્તારોની આસપાસ પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં, સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર તેમના સ્થળાંતરને પહોંચી વળવા માટે ગીર અને તેની આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે કે કેમ અને સિંહોના માનવ વિસ્તારોમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો વિશે જાણવા માંગતા હતા.
મંત્રીએ જણાવ્યા મુજબ સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ઊભા પાકના ખેતરોમાં જંગલી પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે સૌર સંચાલિત ઇલેક્ટ્રિક ફેન્સ, બાયો-ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ વગેરે જેવા અવરોધો ઊભા કરવા, પસંદગીના સિંહોની હિલચાલ અને વર્તનની પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે રેડિયો કોલરિંગ તેમજ સંઘર્ષ વગેરેના કિસ્સામાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી પ્રાણીઓને ખસેડવા માટે ટ્રેકર્સ અને બચાવ ટીમો તહેનાત કરવી.
તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાના કામો હાથ ધરવામાં આવે છે, માનવ ઇજાઓ કે જાનહાનિ તેમજ પશુઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.