પાલનપુર કોલેજથી PNB કૌભાંડ સુધી: ભાગેડુ ચોકસીએ કેવી રીતે કર્યું કૌભાંડ? કેવી રીતે ભાગ્યો ભારતથી?
ચોક્સી માત્ર નીરવ મોદીના મામા જ નથી, પરંતુ તે ત્રણ કંપનીઓમાં નીરવનો ભાગીદાર પણ છે. જેની અનેક એજન્સીઓમાં દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મેહુલ ચોકસી જે આજ કાલ ફરી ચર્ચામાં છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી અને ભાગેડુ ડાયમંડ વેપારી મેહુલ ચોક્સી ડોમિનિકામાં ઝડપાયો છે. ‘ડાયમંડ કિંગ’ તરીકે ઓળખાતા ઉદ્યોગપતિથી લઈને ‘સ્કેમ કિંગ’ સુધીની નીરવ મોદીના આ મામા મેહુલ ચોકસીની કહાણી રસપ્રદ છે.
પાલનપુરમાં ભણતર
ગુજરાતના પાલનપુરથી અભ્યાસ કર્યા બાદ બિઝનેસમાં નસીબ અજમાવનાર મેહુલ ચોક્સી, પંજાબ નેશનલ બેંક (PNB) સાથે થયલા 14 હજાર કરોડથી વધુના કૌભાંડનો મુખ્ય આરોપી છે. મેહુલ ચોક્સીનો જન્મ 5 મે 1959 ના રોજ મુંબઇમાં થયો હતો. જૈન પરિવારમાં જન્મેલા મેહુલે ગુજરાતના પાલનપુર સ્થિત જીડી મોદી કોલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. 1975 માં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી અને 1985 માં તેમના પિતા પાસેથી ગીનાતાંજલિ જેમ્સ વ્યવસાયનું નેતૃત્વ લીધું.
જાહોજલાલીનું જીવન
મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલની ઇટાલિયન રેસ્ટોરન્ટમાં મેહુલ ચોક્સી ઘણીવાર જોવા મળતો. તે ઘણી વાર કાર્યક્રમોમાં 26 ફિલ્મ સ્ટાર્સમાંથી કોઈ સાથે ફોટોગ્રાફ પડાવતો હતો જે તેની કંપનીના બ્રાંડ એન્ડોર્સમેન્ટ કરતા હતા. તેને બ્લેક કલરની મર્સિડીઝ ઇ-ક્લાસ કાર પસંદ છે. અમેરિકાનો સાન ફ્રાન્સિસ્કો તેનું પ્રિય શહેર છે.
13 હજાર કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર
ગીતાજલિ ગ્રુપ તેના ટોચના દિવસોમાં વિશ્વના સૌથી મોટા બ્રાન્ડેડ જ્વેલરી રિટેલરોમાંનું એક બની ગયું હતું. તેના લગભગ 4,000 શો-રૂમ્સ દ્વારા ઝવેરાતનો ધંધો ધગધગતો હતો. ભારતમાં સંગઠિત ઝવેરાત બજારમાં તેનો હિસ્સો 50 ટકાથી પણ વધુ હતો. મેહુલ ચોક્સી આ ગ્રુપનો અધ્યક્ષ હતો. બીએસઈ અને એનએસઈની લીસ્ટમાં પર ગીતાંજલિનું નામ હતું. તેમાં વાર્ષિક 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર હતું. પરંતુ હવે ધંધો બંધ છે.
ચોક્સી માત્ર નીરવ મોદીના મામા જ નથી, પરંતુ તે ત્રણ કંપનીઓમાં નીરવનો ભાગીદાર પણ છે. જેની અનેક એજન્સીઓમાં દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મેહુલ ચોક્સીએ હૈદરાબાદમાં સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનનો વિકાસ પણ કર્યો.
શું હતું PNB કૌભાંડ?
મેહુલ ચોક્સી અને તેની કંપની ગીતાંજલિ જેમ્સ પર પંજાબ નેશનલ બેંકના કેટલાક અધિકારીઓની સાથે મળીને રૂ. 14 હજાર કરોડથી વધુનું કૌભાંડ આચરવાનો આરોપ છે. તેમને ખોટી રીતે વારંવાર બેંકમાંથી લેટર ઓફ અન્ડરટેકિંગ (LoU) મેળવ્યું અને વિદેશી લેટર ઓફ ક્રેડિટમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું. જેના કારણે બેંકને 14 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
બેંકના અધિકારીઓની મિલીભગત
આ અંતર્ગત પીએનબીના બે અધિકારીઓની મિલીભગતથી બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ મેળવવામાં આવતા હતા. તે અન્ડરટેકિંગ ઇન્ડિયન બેંકના નામે થતું. આ અન્ડરટેકિંગ એટલે એક રીતે પી.એન.બી. દ્વારા આપવામાં આવતી ગેરંટી હતી. આ અન્ડરટેકિંગનો અર્થ આવી રકમની લોન આપવી જેનો ઉપયોગ એક વર્ષ માટે મોતીની આયાત માટે થવાનો હતો. પરંતુ તેમાં રિઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. નિયમો અનુસાર આ એલઓયુનો ઉપયોગ ફક્ત ત્રણ મહિના સુધી આયાત માટે થઈ શકે છે. બ્રિટિશ ટાપુઓ અને અન્ય ઘણા દેશોની બનાવટી કંપનીઓના નામે આ એલઓયુનો આપવામાં આવતા હતા.
ભાગેડુ ચોકસી સામે અનેક ગુનાહિત કેસ
માર્ચ 2018 માં, એક સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રજુ કર્યા હતા. આ સંબંધમાં પંજાબ નેશનલ બેન્કના છ અને ચોક્સી અને નીરવની કંપનીઓના છ અધિકારીઓ-કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ચોક્સીને ભાગેડુ જાહેર કરાયો. તેની સામે મની લોન્ડરિંગ, છેતરપિંડી જેવા અનેક ગુનાહિત કેસ નોંધાયા.
મેહુલની સાથે ભારતીય બેન્કો સાથેના આ છેતરપિંડીમાં સામેલ નીરવ મોદી આ દિવસોમાં લંડનની જેલમાં છે. તેની ભારત પ્રત્યાર્પણની સુનાવણી ચાલી રહી છે. મેહુલ ચોક્સી અને નીરવ મોદી બંને હીરાનો ધંધો કરતા હતા. મેહુલ 2018 થી કેરેબિયન દ્વીપસમૂહમાં એન્ટિગુઆમાં હતો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી એજન્સીઓ તેને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
કેવી રીતે પકડાયો સ્કેમ
સૌ પ્રથમ, પંજાબ નેશનલ બેંકે 29 જાન્યુઆરી 2018 ના રોજ, સીબીઆઈ સમક્ષ FIR દાખલ કરી હતી, જેમાં ખુલાસો થયો હતો કે તેના કેટલાક અધિકારીઓએ 16 જાન્યુઆરીએ 280.7 કરોડ રૂપિયાના નકલી એલઓયુ બહાર પાડ્યા હતા. જો કે પાછળથી જ્યારે આ કેસમાં અધિકારીઓ ઊંડા ઉતરતા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આ કૌભાંડ 14 હજાર કરોડથી વધુનું છે.
કેવી રીતે પહોંચ્યો એન્ટિગુઆ
મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ માર્ચ 2017 થી મે 2017 ની વચ્ચે પંજાબ નેશનલ બેંકમાંથી પૈસા ઉપાડ્યા હતા. મેહુલે પીએનબી પાસેથી લગભગ 14,000 કરોડ રૂપિયાની લોન લીધા પછી મે 2017 માં એન્ટિગુઆ નાગરિકત્વ માટે અરજી કરી હતી. 4 જાન્યુઆરી 2018 ના રોજ તે દુબઇ જવા માટે રવાના થઈ ગયો. ત્યાંથી એન્ટિગુઆ પહોંચ્યો, ત્યાંથી તેણે 15 જાન્યુઆરી, 2018 ના રોજ એલાયન્સ (નાગરિકતાની શપથ) લીધી. કહેવાય છે કે મોટી રકમ આપીને મેહુલે ત્યાની નાગરિકતા લીધી હતી.
આ પણ વાંચો: દુબઈ કોને અને શા માટે ગોલ્ડન વિઝા આપે છે? જાણો આ વિઝા મેળવવા માટે શું કરવું પડશે
આ પણ વાંચો: ગરીબોના જીવ સાથે રાજ રમત, કરોડોનું વેક્સિન કૌંભાડ, પંજાબ સરકાર સામે આક્ષેપો