ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડ : પટાવાળાથી વચેટિયા સુધી તમામની અલગ અલગ ભૂમિકા, 14 આરોપીઓની ધરપકડ
ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા સામે આવેલા ઉત્તરવહી કાંડમાં હવે વિદ્યાર્થીઓની ધરપકડનો દોર શરૂ થયો છે. યુનિવર્સિટી પોલીસે 14 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. જો કે, વિદ્યાર્થીઓને પૂછપરછમાં આરોપીઓની મોડસ એપ્રેન્ટીનો ખુલાસો થયો છે, જે સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી છે. સાથે જ આ કેસના ફરાર આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કાંડ મામલે પોલીસે 14 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ બી.એસ.સી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. આરોપીઓએ ત્રીજા વર્ષની ફાઇનલ પરીક્ષા પાસ કરવા માટેના ગુનામાં સંડોવાયા હતા. તમામ 14 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ અન્ય ત્રણ મુખ્ય આરોપી સન્ની ચૌધરી, અમિત સિંઘ અને સંજય ડામોર સાથે મળી ચોરી કરાવેલી ઉત્તરવહીમાં જવાબો લખી પરીક્ષા પાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ક્રાઈમ બ્રાન્ચે સન્ની, અમીત અને સંજયની ધરપકડ કરી હતી. તેમની સોશિયલ મીડિયામાં તપાસ કરતા 24 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતી. જેમાંથી 14 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 10 ફરાર છે, જેમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલ તમામ વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને અમિતસિંઘ 30 હજાર રૂપિયામાં એક વિદ્યાર્થીને પેપર પાસ કરાવી આપતા હતા. જો કે, પરીક્ષા આપ્યા પહેલા ઉમેદવારોને કેટલીક સૂચનાઓ આપવામાં આવતી હતી. જેમાં ઉત્તરવહીના પહેલા પાને સ્વસ્તિકનું નિશાન કરવું અને છેલ્લા પાને હેશનું નિશાન કરાવવામાં આવતું હતું.
જે બાદ અગાઉ ઝડપાયેલ આરોપી સંજય ડામોર કે જે યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે કામ કરે છે, તે સ્ટ્રોંગ રૂમમાંથી આ ઉત્તરવહી ચોરી કરીને લાવતો અને વાડજના એક મકાનમાં આરોપીઓ તેમને બેસાડી ફરી વખત જવાબો લખાવતા હતા અને સવારે ઉત્તરવહીઓ પાછી સ્ટ્રોંગ રૂમમાં પહોંચી જતી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે અન્ય ફરાર 10 આરોપીઓમાંથી પાંચ આરોપીઓ વચેટિયા તરીકે કામ કરતા હતા. જે પરીક્ષામાં નાપાસ થાય તેવા વિદ્યાર્થીઓની માહિતી એકઠી કરતા અને મુખ્ય આરોપી સુધી પહોંચાડતા હતા, સાથે જ એક વિદ્યાર્થી દીઠ લીધેલા 30 હજારમાંથી સંજય, અમિત અને સન્ની 80 ટકા રકમ લઈ લેતા હતા અને અન્ય એજન્ટોને 10-10 ટકા રકમ આપતા હોવાનો ખુલાસો થયો છે. પરીક્ષામાં થતી ગેરરીતી અટકાવવા માટે નવા કાયદાઓ લાવવામાં આવ્યા, પરંતુ આરોપીઓ અવનવા રસ્તા શોધી ગુનાને અંજામ આપી રહ્યા છે.
આ પણ વાંચો અમદાવાદઃ શેર બજારમાં દેવું થઈ જતા પેટ્રોલપંપ આસિ. મેનેજરે લુંટનું નાટક રચ્યું, 3 ની ધરપકડ