અમદાવાદઃ શેર બજારમાં દેવું થઈ જતા પેટ્રોલપંપ આસિ. મેનેજરે લુંટનું નાટક રચ્યું, 3 ની ધરપકડ
અમદાવાદમાં પેટ્રોલપંપ ના આસિસ્ટન્ટ મેનેજરને શેરબજારમાં દેવું થઈ જતા નાટક આચર્યુ અને બેંકમાં 9 લાખ રૂપિયા ભરવા જતા સમયે ચીલઝડપ કરાવી જાતે જ લૂંટાયો હતો. લૂંટની રકમમાંથી પોતાના મોજ શોખ પાછળ ખર્ચ કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં પેટ્રોલ પંપ ના કર્મચારી સાથે થયેલી લાખો રૂપિયાની ચીલઝડપનો ભેદ ઉકેલાયો છે. વાડજ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ તપાસમાં લાખો રૂપિયાની ચીલઝડપ પાછળ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
તસ્વીરમાં પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી હેમેન્દ્રસિંહ ઉર્ફે લાલુ સોલંકી, સિધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવની 9 લાખની રૂપિયાની ચિલઝડપ કેસમાં વાડજ પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય મળીને લૂંટની ઘટનાનો અંજામ આપ્યો હતો. પોલીસને ચોપડે નોંધાયેલી લૂંટની તપાસ શરુ થઈ પરંતુ આરોપી એ શખ્શ પણ નિકળ્યો કે, જે લુંટાયો હતો.
ત્રણ આરોપીની ધરપકડ
ઘટનાની વાત કરીએ તો શાહપુરમાં આવેલા વત્સલ પેટ્રોલપમ્પના કર્મચારીઓ મિલાપસિંહ અને હેમેન્દ્રસિંહ ધંધાની રૂપિયા 9 લાખની રોકડ લઇને બેંકમાં ભરવા જઈ રહ્યા હતા. ત્યારે 2 શખ્સ ચિલઝડપ કરીને ઍક્સેસ ગાડી લઈને ફરાર થઇ ગયા હતા. વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાના CCTV ફૂટેજના આધારે ગણતરીની કલાકોમાં ચિલઝડપનો ભેદ ઉકેલીને પેટ્રોલ પમ્પના આસિસ્ટન મેનેજર હેમેન્દ્રસિંહ અને પૂર્વ કર્મચારીઓ સિદ્ધરાજસિંહ અને રોહિત યાદવની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રોકડ રૂપિયા 8.65 લાખ કબ્જે કર્યા છે.
પકડાયેલા આરોપીમાં માસ્ટર માઈન્ડ હેમેન્દ્રસિંહ સોલંકી છે જે મૂળ ગાંધીનગર જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા સાડા ચાર વર્ષથી શાહપુરમાં આવેલા વત્સલ પેટ્રોલપમ્પમાં આસિસ્ટન મૅનેજર તરીકે નોકરી કરે છે. આરોપી હેમેન્દ્રસિંહને શેરબજારમાં 3 લાખનું દેવું થઈ ગયું હતું. જેથી આરોપીએ લૂંટનું ષડયંત્ર રચ્યું હતું અને આ ષડયંત્રમાં પૂર્વ કર્મચારીઓ સિદ્ધરાજસિંહ અને રોહિતને સામેલ કર્યા હતા.
લુંટાઈ જવાનો ઘડ્યો પ્લાન
હેમેન્દ્ર પેટ્રોલ પમ્પની ધંધાની રોકડ બેંકમાં જમા કરવા નીકળ્યો હતો ત્યારે અગાઉથી સિધરાજ અને રોહિત લૂંટ કરવા માટે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે હેમેન્દ્ર અને તેની સાથેનો કર્મચારી ત્યાંથી પસાર થયા ત્યારે 9 લાખ ભરેલી બેગની ચિલઝડપ કરી હતી. આ રોકડ માંથી 35 હજાર રૂપિયા મોજશોખમાં ખર્ચી નાખ્યા હતા અને આ દરમ્યાન પોલીસે તેમના કાવતરું ઝડપીને ત્રણેયની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: શિક્ષણ જગતના જાણીતા ગામની સરકારી શાળામાં તસ્કરો ત્રાટક્યા, ફરિયાદની મંજૂરી આપવામાં 2 સપ્તાહ વિત્યા!
પેટ્રોલ પમ્પના રોકડની ચિલઝડપ કેસમાં કર્મચારી જ આરોપી નીકળ્યો છે. વાડજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. આ ત્રિપુટીએ અગાઉ કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.