ભારત બાયોટેકની નેઝલ વેક્સિન ટૂંક સમયમાં બજારમાં આવશે, જાણો તેની કિંમત કેટલી હશે
ગયા અઠવાડિયે 1,103 નવા કેસ (Corona Cases) નોંધાયા હતા પરંતુ આ અઠવાડિયે તે 11% વધીને 1,219 થઈ ગયા છે. ગયા અઠવાડિયે 12 કેસની સરખામણીએ આ અઠવાડિયે 20 કેસ નોંધાયા છે, સાથે જ કોવિડ મૃત્યુ ખૂબ ઓછા છે.

ભારતમાં કોરોનાને લઈને યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે આ અંગે ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી વધુ સઘન બનાવવી પડશે. રવિવારે સપ્તાહના અંતે કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે, પરંતુ ભારતમાં કોરોના વધી રહ્યો છે તે કહેવું વહેલું ગણાશે. TV9 ભારતવર્ષના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત બાયોટેકની નેઝલ વેક્સિન ખૂબ જ ટૂંક સમયમાં બજારમાં આવવાની છે. તેની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં મોકડ્રીલ કરવામાં આવી રહી છે.
ભારત બાયોટેકની નેઝલ વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેને મંજૂરી પણ આપવામાં આવી છે. બહુ જલ્દી તે માર્કેટમાં આવવાની છે. ખાનગી હોસ્પિટલોમાં તેની કિંમત GST સાથે 800 રૂપિયા છે, આ સિવાય હોસ્પિટલનો અલગ ચાર્જ હશે.
કોરોનાના કેસમાં 11 ટકાનો વધારો થયો
મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ જેવા ઉત્તરના કેટલાક રાજ્યો તેમજ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ચેપમાં નજીવો વધારો જોવા મળ્યો છે. TOI ના કોવિડ ડેટાબેઝ મુજબ, ગયા અઠવાડિયે 1,103 નવા કેસ નોંધાયા હતા પરંતુ આ અઠવાડિયે તે 11% વધીને 1,219 થઈ ગયા છે. ગયા અઠવાડિયે 12 કેસની સરખામણીએ અઠવાડિયા માટે 20 કેસ નોંધાયા છે, સાથે જ કોવિડ મૃત્યુ ખૂબ ઓછા છે.
ભારતમાં 8 જિલ્લામાં કોરોના વાયરસનો ચેપ દર 5 ટકાથી વધુ
કેન્દ્ર સરકારે રાજ્યોને સતત દેખરેખ વધારવા અને ક્યાંય પણ કોઈ અલગ કેસ વધે તો તેની જાણ કરવા જણાવ્યું છે. દેશના 684 જિલ્લાના કોવિડ-19 સંબંધિત ડેટા અનુસાર, હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ચેપ દર 14.29 ટકા અને ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં 11.11 ટકા નોંધાયો હતો. ભારતમાં 8 જિલ્લામાં કોરોના વાયરસનો ચેપ દર 5 ટકાથી વધુ છે.
અરુણાચલ પ્રદેશમાં લોહિત (5.88 ટકા), મેઘાલયમાં રી ભોઈ (9.09 ટકા), રાજસ્થાનમાં કરૌલી (5.71 ટકા) અને ગંગાનગર (5.66 ટકા), તામિલનાડુમાં ડીંડીગુલ (9.80 ટકા) અને ઉત્તરાખંડમાં નૈનીતાલ (5.66 ટકા)નો સમાવેશ થાય છે. તેમાના મોટાભાગના પ્રવાસન સ્થળો છે, જ્યાં લોકો સામાન્ય રીતે રજાઓ ગાળવા જાય છે.
એરપોર્ટ પર કોરોનાની તપાસ શરૂ કરવામાં આવી
દિલ્હી એરપોર્ટ પર કોરોનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં કેટલાક મુસાફરો પણ સંક્રમિત જોવા મળ્યા છે. કોલકાતા એરપોર્ટ પર એક બ્રિટિશ મહિલા પણ કોરોના પોઝિટિવ આવી હતી, જેને તાત્કાલિક ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી. દિલ્હી સરકારે સોમવારે કેટલાક દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાઓમાં વધારાની વચ્ચે ઊભી થયેલી આશંકાઓને ધ્યાનમાં રાખીને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે હોસ્પિટલો માટે સામાન્ય દવાઓ ખરીદવા માટે 104 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે.