અજીત ડોભાલ
અજીત ડોભાલ ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) છે. તેમનો જન્મ 1945માં ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં થયો હતો. ડોભાલ કેરળ કેડરના 1968 બેચના આઈપીએસ અધિકારી છે. અગાઉ તેઓ ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા અને ભારતીય પોલીસ સેવાના અધિકારી પણ હતા. 30 મે, 2014ના રોજ તેમની પ્રથમવાર NSAના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારથી ડોભાલનો આ ત્રીજો કાર્યકાળ છે. તે ભારતના સૌથી લાંબા સમય સુધી NSAમાં સેવા આપનાર પણ છે.
અજિત ડોભાલે તેમની મોટાભાગની કારકિર્દી IB એજન્ટ તરીકે વિતાવી છે. તેણે એક વર્ષ સુધી પાકિસ્તાનમાં આઈબીના ઈન્ટેલિજન્સ એજન્ટ તરીકે કામ કર્યું હતું અને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં 6 વર્ષ સુધી ઓફિસર પણ હતા. એક એજન્ટ તરીકે તેણે ઘણા સફળ ઓપરેશન પણ કર્યા. ઓપરેશન બ્લેક થંડર 1988, મ્યાનમાર ઓપરેશન જેવા ઘણા સફળ ઓપરેશન તેમના નામ સાથે જોડાયેલા છે. તેમને કીર્તિ ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1999માં કંદહાર પ્લેન હાઇજેક બાદ થયેલા કરારમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 2016માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.