લોન લેનારાઓ માટે મોટા સમાચાર, વધતી મોંઘવારી વચ્ચે વ્યાજ દરો પર શું નિર્ણય લેશે RBI?
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને મોંઘવારીના જોખમ વચ્ચે આગામી મહિને આરબીઆઈની એમપીસી (MPC) બેઠક યોજાવા જઈ રહી છે. જોકે, નિષ્ણાતોના મતે રેપો રેટમાં તાત્કાલિક ફેરફાર થવાની શક્યતા નહિવત છે.

દેશમાં ઇંધણના વધતા ભાવ અને ચોમાસાની અનિશ્ચિતતાને કારણે મોંઘવારીનું જોખમ સતત વધી રહ્યું છે. આવા કપરા માહોલ વચ્ચે, આગામી મહિને યોજાનારી ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં વ્યાજ દરોને લઈને શું નિર્ણય લેવાશે, તેના પર તમામ લોનધારકો અને બજારની નજર ટકેલી છે.

જોકે, દેશની અગ્રણી રેટિંગ એજન્સી ઇકરા (ICRA) નું માનવું છે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની વધતી કિંમતો છતાં રિઝર્વ બેંક હાલ તુરંત પોતાની નાણાકીય નીતિને કડક નહીં બનાવે. ઇકરાના અંદાજ મુજબ, આરબીઆઈ જૂન મહિનામાં યોજાનારી એમપીસી બેઠકમાં રેપો રેટને 5.25 ટકા પર સ્થિર રાખી શકે છે, એટલે કે સામાન્ય જનતા માટે લોન મોંઘી થવાની તાત્કાલિક કોઈ શક્યતા નથી. આવો વિગતવાર સમજીએ કે વ્યાજ દરોને લઈને આગામી સમયમાં કેવું ચિત્ર જોવા મળી શકે છે,

જો મોંઘવારી વધશે તો વ્યાજ દરો વધી શકે છે: આર્થિક નિષ્ણાતોના મતે, જો બજારમાં ચીજવસ્તુઓની કિંમતો પર દબાણ ચાલુ રહેશે, તો મુખ્ય વ્યાજ દરોમાં વધારો આ વર્ષના અંતમાં જ સંભવ બનશે. ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે, "અમને નથી લાગતું કે એમપીસી હાલના તબક્કે રેપો રેટમાં કોઈ વધારો કરશે. આ સપ્લાય ચેઇનમાં અચાનક આવેલી ખામી છે, જે કોવિડ સંકટ કરતાં તદ્દન અલગ છે." તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય બેંક કોઈ પણ કડક પગલું ભરતા પહેલા મોંઘવારીની અસરોના ચોક્કસ પુરાવાઓની રાહ જોશે. તાજેતરમાં ઇંધણના ભાવમાં થયેલા વધારાને કારણે ઇકરાએ નાણાકીય વર્ષ 2026-27 માટે સરેરાશ છૂટક મોંઘવારી દર (CPI) નો અંદાજ વધારીને 5 ટકા કર્યો છે.

છેલ્લે ડિસેમ્બર 2025માં રેપો રેટ ઘટ્યો હતો: મોંઘવારી અંગે ઇકરાનો આ નવો અંદાજ આરબીઆઈના મધ્યમ ગાળાના લક્ષ્યાંક કરતાં થોડો વધારે છે. તેમ છતાં, એજન્સીને આશા છે કે એમપીસી આગામી બે નાણાકીય સમીક્ષા બેઠકો દરમિયાન રેપો રેટમાં કોઈ છેડછાડ નહીં કરે. ઓક્ટોબર મહિનાની બેઠકમાં આરબીઆઈના વલણમાં સંભવિત ફેરફાર જોવા મળી શકે છે અને જો ખૂબ જ જરૂર જણાશે તો જ ડિસેમ્બરની પોલિસીમાં રેપો રેટ વધારવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે ડિસેમ્બર 2025માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે આરબીઆઈએ વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, જેના કારણે રેપો રેટ ઘટીને 5.25 ટકા પર પહોંચ્યો હતો, જે અત્યાર સુધી યથાવત છે.
ઓપ્શન્સ ટ્રેડિંગ કરનારાઓ માટે મોટા સમાચાર, બજારમાં ગમે તેવો મોટો ઉતાર-ચઢાવ આવશે તો પણ ટ્રેડર્સ નહીં ફસાય
