ટ્રેનમાં ‘ટોઇલેટ’ હોય છે પણ ‘મેટ્રો’માં નથી હોતું, આવું કેમ? ક્યારેય વિચાર્યું કે, આની પાછળનું કારણ શું હોઈ શકે?
તમે બધાએ કદાચ ટ્રેન કે મેટ્રોમાં મુસાફરી કરી હશે. એવામાં તમે જોયું હશે કે, ટ્રેનમાં શૌચાલય હોય છે પણ મેટ્રોમાં નથી હોતું. હવે આવું કેમ? આ સવાલ દરેકના મનમાં આવે છે...

વ્યક્તિની દિનચર્યા લગભગ સમાન હોય છે. વિદ્યાર્થીઓ સવારે ઉઠીને શાળાએ જાય છે, કામ કરતા લોકો તેમના કામ પર જાય છે અને જે મહિલાઓ ઘરે રહે છે તેઓ ઘરકામ કરે છે. આ સમય દરમિયાન, દરરોજ ઘણી બધી બાબતો આપણી નજર સમક્ષ આવે છે પરંતુ તે સામાન્ય હોવાને કારણે તેના સંબંધિત પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા નથી.

હવે જે લોકો દરરોજ મેટ્રોમાં મુસાફરી કરે છે, તેઓએ ભાગ્યે જ નોંધ્યું હશે કે મેટ્રોમાં શૌચાલય હોતું નથી, જ્યારે ટ્રેનમાં આ સુવિધા ઉપલબ્ધ હોય છે. એવામાં શું તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે કે, આવું કેમ હોય છે?

મળતી માહિતી મુજબ, ટ્રેનની મુસાફરી લાંબી હોય છે, તેથી શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે છે. આથી મુસાફરો ટ્રેન ચાલુ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકે છે.

આમ જોવા જઈએ તો, મેટ્રોની મુસાફરી ટૂંકી હોય તો મુસાફર મુસાફરી પૂર્ણ કર્યા પછી પણ શૌચાલય જઈ શકે છે. જો મેટ્રો સ્ટેશનો પર શૌચાલય હોય, તો મુસાફરો તેનો ઉપયોગ કરી શકે છે અને બીજી મેટ્રો પકડી શકે છે પરંતુ ટ્રેનોમાં આવું હોતું નથી. એકવાર ટ્રેન ચૂકી જાય પછી મુસાફરો બીજી ટ્રેનમાં ચઢી શકતા નથી, તેથી ટ્રેનોમાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે છે.

બીજું કે, મેટ્રોમાં ટ્રેન જેટલી જગ્યા હોતી નથી. મેટ્રોમાં કોચની સંખ્યા ઓછી અને મુસાફરો વધુ હોય છે, તેથી તેમાં ટોયલેટ બનાવવા માટે જગ્યા નથી રહેતી. એવામાં હવે જો મેટ્રોની અંદર શૌચાલય બનાવવામાં આવે, તો તેનો જાળવણી ખર્ચ પણ વધશે, જેના કારણે ટિકિટના ભાવમાં વધારો થશે અને તેનો ઉપયોગ રોજિંદા વપરાશ કરતા સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડશે.
નોંધ: આ લેખમાં આપેલી માહિતી વિવિધ અહેવાલો પર આધારિત છે. TV9 Gujarati ઉપરોક્ત માહિતીને સમર્થન આપતું નથી. આ લેખ ફક્ત જાણકારીના હેતુ માટે છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
