IND vs NZ: યશસ્વી જયસ્વાલે કોચ ગૌતમ ગંભીરને પાછળ છોડ્યો, ન્યુઝીલેન્ડમાં મોટી સિદ્ધિ હાંસલ કરી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં મજબૂત બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલે દમદાર ફિફ્ટી ફટકારી ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટમાં દમદાર શરૂઆત અપાવી હતી. આ ફિફ્ટી સાથે જ યશસ્વી જયસ્વાલે ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધો હતો.

વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ન્યુઝીલેન્ડે 368 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

કેએલ રાહુલ સાથે ઇનિંગની શરૂઆત કરતા જયસ્વાલે કિવી ફાસ્ટ બોલરોનો મજબૂત રીતે સામનો કર્યો અને માત્ર 66 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

કિવી ટીમની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરતા યશસ્વી જયસ્વાલે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને ટેસ્ટ કારકિર્દીની 14મી અડધી સદી ફટકારી. આ અડધી સદીમાં 36 રન તેણે બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.

આ અડધી સદી સાથે યશસ્વી જયસ્વાલે SENA દેશોમાં ભારતીય ઓપનર તરીકે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો.

જયસ્વાલે SENA દેશોમાં ઓપનર તરીકે આઠમો 50+ સ્કોર બનાવ્યો અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને હાલ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર (7) ને પાછળ છોડી દીધો.

SENA દેશોમાં ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ 50+ રન બનાવવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે છે, જેમણે આ સિદ્ધિ 19 વખત હાંસલ કરી છે.

કેએલ રાહુલ 12 વાર 50+ સ્કોર સાથે બીજા ક્રમે છે. વીરેન્દ્ર સેહવાગે 10 વખત અને મુરલી વિજયે 9 વખત આ સિદ્ધિ મેળવી છે.

આ પ્રવાસમાં યશસ્વી જયસ્વાલે પણ ઇન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું અને સતત બે મેચમાં સદી ફટકારી હતી. તેણે સિનિયર ટીમ સાથે આ ફોર્મ ચાલુ રાખ્યું છે. (PC:PTI/X)
IND vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં કેએલ રાહુલનો ડબલ ધમાકો, આ ખાસ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો
