વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રોકાણ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગની નવી તકો શોધાઈ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદેશી રોકાણ આકર્ષવા, વેપારી સંબંધો મજબૂત કરવા અને ઉદ્યોગ તેમજ રમતગમત ક્ષેત્રે સહયોગની નવી તકો શોધવાનો હતો.

ગુજરાતને વૈશ્વિક રોકાણના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સત્તાવાર પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષવા, આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધો મજબૂત બનાવવા અને ઉદ્યોગ તેમજ રમતગમત ક્ષેત્રે સહયોગની નવી સંભાવનાઓ શોધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

મંત્રી ઋષિકેશ પટેલે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન, સિડની અને બ્રિસ્બેન ઉપરાંત ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વ્યાપારી અગ્રણીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા આમંત્રિત કરવાનો હતો. સાથે જ ગુજરાત અને આ બંને દેશો વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની નવી તકો વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સત્તાવાર પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી સાથે ઉદ્યોગ અને વહીવટી ક્ષેત્રના પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મેહુલ વૈદ્ય, શક્તિ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર શ્રેયાંશ ગોયલ, હિન્દુસ્તાન મેગ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર હર્ષિલ તમાકુવાલા, એલેક્સિસ એડવાઇઝર્સ એલએલપીના ડિરેક્ટર મિલન ઠક્કર, એસોચેમ ગુજરાત કાઉન્સિલના રિજનલ ડિરેક્ટર વિપુલ ગજિંગવાર, કેપીએમજીના કન્સલ્ટન્ટ શિવેશ શિંદે તેમજ આઈએએસ અધિકારીઓ ધવલ પટેલ અને રૂપવંતસિંહનો સમાવેશ થતો હતો.

ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ સાથે ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ, મુંબઈના વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર અને રિસર્ચ ઓફિસર ફ્લોરેન્સ અલ્ફોન્સો પણ જોડાયા હતા. પ્રવાસ દરમિયાન વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં ગુજરાતમાં રોકાણની તકો, ઔદ્યોગિક વિકાસ, વેપાર-વાણિજ્ય અને બંને દેશો વચ્ચે લાંબા ગાળાની ભાગીદારી વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રવાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલો રહ્યો હતો. પ્રતિનિધિમંડળે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનાં પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ સ્ટેડિયમ તથા રમતગમતના આધુનિક માળખાકીય સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સ્ટેડિયમની મેનેજમેન્ટ ટીમો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજન અને સંચાલન અંગે માહિતી મેળવી હતી.

ખાસ કરીને ગુજરાતમાં આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ યોજવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રમતગમતના માળખાકીય વિકાસ, આયોજન વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતો ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વિકસાવવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રતિનિધિમંડળે ઓકલેન્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ક્રિકેટ મેચનો પણ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડમાં ભારતનાં હાઈ કમિશનર મુઆનપુઈ સાઈઆવી અને ઓકલેન્ડમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. મદન મોહન સેઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક રોકાણ માટે વધુ આકર્ષક સ્થળ તરીકે સ્થાપિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યની ભાગીદારીનો વ્યાપ વધારવાનો રહ્યો હતો. ઉદ્યોગ, વેપાર, રોકાણ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે સહયોગની નવી તકો ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની આ પહેલ ગુજરાતના વૈશ્વિક સંબંધોને નવી દિશા આપી શકે છે. વિદેશી રોકાણ, આધુનિક ટેક્નોલોજી, ઔદ્યોગિક વિકાસ અને રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા ગુજરાતને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
