Solar panel for flats : ફ્લેટમાં સોલાર પેનલ લગાવવી હોય તો શું છે પ્રક્રિયા ? જાણી લો થશે મોટો ફાયદો..
તમારા ફ્લેટમાં સોલાર પેનલ લગાવવી હવે સરળ બની ગઈ છે. વધતા વીજળીના બિલથી રાહત મેળવવા માટે સોલાર એનર્જી એક ઉત્તમ વિકલ્પ બની રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત હવે લોકો પોતાના ઘર કે ફ્લેટમાં સોલાર પેનલ લગાવીને વીજ ખર્ચમાં મોટો ઘટાડો કરી શકે છે.

આજકાલ વધતા વીજ બિલને કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સૌર ઉર્જા સાથે જોડવાનો, સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાનો અને નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનો છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકે છે. સરકાર દ્વારા અલગ અલગ ક્ષમતાના સોલાર સિસ્ટમ પર સબસિડી આપવામાં આવે છે, જેથી પેનલ લગાવવાનો ખર્ચ સામાન્ય લોકો માટે સસ્તો બને. જો કે, આ યોજનાનો લાભ લેવા માટે છત ઉપલબ્ધ હોવી જરૂરી છે.

ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ફ્લેટમાં રહેતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે કે નહીં. જવાબ છે – હા. પરંતુ ફ્લેટમાં સોલાર પેનલ લગાવવા માટે સોસાયટી અથવા RWA (રેસિડેન્ટ વેલફેર એસોસિએશન)ની મંજૂરી જરૂરી હોય છે. સામાન્ય રીતે, સોલાર પેનલ સોસાયટીના કોમન એરિયાની છત પર લગાવવામાં આવે છે જેથી તમામ ફ્લેટધારકોને લાભ મળી શકે.

ફ્લેટ અને સ્વતંત્ર ઘર બંને માટે અરજી પ્રક્રિયા લગભગ સમાન છે. લાભાર્થીએ pmsuryaghar.gov.in વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરવી પડે છે. રાજ્ય અને ડિસ્કોમ પસંદ કર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે. ત્યારબાદ ડિસ્કોમની ટીમ સ્થળની મુલાકાત લઈ તપાસ કરે છે.

મંજૂરી મળ્યા બાદ સરકાર દ્વારા અધિકૃત એજન્સી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરે છે. ઇન્સ્ટોલેશન પહેલાં પેનલની ડિઝાઇન અને સ્થાન નક્કી કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા સામાન્ય રીતે 15 થી 30 દિવસમાં પૂર્ણ થાય છે.

સોલાર પેનલ ઇન્સ્ટોલ થયા બાદ નેટ મીટરિંગ સિસ્ટમ દ્વારા તેને વીજ ગ્રીડ સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ ઘર અથવા ફ્લેટમાં પોતાની વીજળીનું ઉત્પાદન શરૂ થાય છે. સરકાર દ્વારા આપવામાં આવતી 30% થી 60% સુધીની સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેના કારણે વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થાય છે.
તમારા ઘર માટે 2 kW સોલાર સિસ્ટમ પૂરતી છે? જાણવા માટે અહીં ક્લિક કરો..
