History of city name : નારાયણ સરોવરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
નારાયણ સરોવર કચ્છ જિલ્લાના પશ્ચિમ તટે, લખપત તાલુકામાં આવેલું છે. આ જગ્યા અરબી સમુદ્રના કિનારે સ્થિત છે અને ધાર્મિક, ઐતિહાસિક તેમજ ભૂગોળીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અને આ સ્થળે આવેલા નારાયણ સરોવર મંદિર ગુજરાતના મહત્વના તીર્થોમાં ગણાય છે.

"નારાયણ" હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુનું એક નામ. "સરોવર" પાણીનું મોટું કુંડ અથવા તળાવ.પુરાણોમાં વર્ણવાય છે કે એક સમય એવો આવ્યો જ્યારે આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ ફેલાયો હતો. ત્યારે ઋષિઓએ ભગવાન વિષ્ણુની આરાધના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને વિષ્ણુ અહીં પ્રગટ થયા અને પોતાના પવિત્ર અંગૂઠાથી ધરતીને સ્પર્શ કર્યો.આ સ્પર્શથી અહીં એક સરોવર સર્જાયું, જેના જળથી પ્રજાનો દુઃખ અને તરસ બંને દૂર થયા. (Credits: - Wikipedia)

ભાગવત પુરાણના વર્ણન મુજબ, નારાયણ સરોવર ભારતના પાંચ અતિ પવિત્ર સરોવરોમાંનું એક ગણાય છે. ‘નારાયણ સરોવર’નો અર્થ છે ભગવાન વિષ્ણુને સમર્પિત સરોવર. અહીં પવિત્ર સિંધુ નદી અરબી સમુદ્રમાં મળી જાય છે અને એ સંગમ તટ પર આ સરોવર આવેલું છે. આ અદભૂત અને પવિત્ર ભૂમિ પર અનેક પ્રખ્યાત સંતો, મહામંડલેશ્વરો તેમજ દેશ-વિદેશની યુનિવર્સિટીઓના સંશોધકોએ આ દિવ્ય, ભવ્ય અને પવિત્ર વિસ્તારોની મુલાકાત લીધી. (Credits: - Wikipedia)

ઐતિહાસિક રીતે, નારાયણ સરોવર પ્રાચીન કાળથી તીર્થસ્થળ રહ્યું છે. મંદિરનું નિર્માણ મુખ્યત્વે કચ્છના રાવ દેશલજી બીજા દ્વારા આશરે 18મી સદીમાં કરાયો હતો.અહીં શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજી જેવા મંદિરો આવેલાં છે. 1819ના કચ્છભૂકંપમાં અહીંના મંદિરોને ભારે નુકસાન થયું, પરંતુ ત્યારબાદ તેમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. (Credits: - Kutch Tourism )

16મી સદી દરમિયાન મહાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી આ પવિત્ર સ્થાને પધાર્યા હતા. રામાયણ અને શિવપુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં આવેલ શિલાલેખ અનુસાર, આ મંદિરનું નિર્માણ આશરે બે સદી પહેલાં, વિક્રમ સંવત 1877માં કરવામાં આવ્યું હતું. આજ સુધી યાત્રાળુઓ અને પ્રવાસીઓ અહીં સતત આવનજાવન કરતા રહે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ, ભલે તેઓ ચાર ધામ, બે ધામ અથવા પંચતીર્થ યાત્રા પર હોય, તેઓ અવશ્ય અહીં દર્શનાર્થે આવે છે. (Credits: - Wikipedia)

1981માં નારાયણ સરોવર ગામની આજુબાજુનો વિસ્તાર વન્યજીવન અભયારણ્ય તરીકે ઓળખવામાં આવ્યો. ‘નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય’ તરીકે ઓળખાતું આ સંરક્ષિત ક્ષેત્ર, જેને નારાયણ સરોવર અભયારણ્ય અથવા નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્ય પણ કહેવામાં આવે છે, ભારતનું એકમાત્ર અનોખું રણ વન ઇકોસિસ્ટમ માનવામાં આવે છે. શુષ્ક અને રણપ્રદેશમાં આવેલ આ અભયારણ્યમાં 15 જેટલી લુપ્તપ્રાય વન્યજીવ પ્રજાતિઓ વસે છે. અહીંની વનસ્પતિ મુખ્યત્વે કાંટાળા વૃક્ષ અને ઝાડવાળા જંગલોનો સમાવેશ કરે છે, જે રણપ્રદેશના પર્યાવરણને અનુકૂળ છે. (Credits: - Wikipedia)

કારતક માસ, ચૈત્ર માસ અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં વિશાળ મેળો ભરાય છે.નારાયણ સરોવરનાં પવિત્ર જળમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. અહીંથી થોડે અંતરે કોટેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જે કચ્છના સૌથી પશ્ચિમી તીર્થમાં ગણાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
