Golden Era : મ્યુચ્યુઅલ ફંડ્સનો સુવર્ણ યુગ ! AUM ₹300 લાખ કરોડને પાર જઈ શકે છે, વર્ષ 2035 સુધીમાં કંઈક કમાલ થશે
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે. એવામાં આ ઇન્ડસ્ટ્રીમાં આવનારા વર્ષોમાં મોટો ઉછાળો જોવા મળશે. આ સિવાય રોકાણકારોનો વધતો રસ અને માર્કેટ પર વિશ્વાસ આ ગ્રોથને વધુ ગતિ આપશે.

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) ની પહોંચ આગામી 10 વર્ષોમાં 10 ટકા પરથી બમણી થઈને 20 ટકાને પાર પહોંચી જશે, એવો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) રૂ. 300 લાખ કરોડથી વધુ થવાની ધારણા છે.

ગ્રો સાથેની ભાગીદારીમાં બેન એન્ડ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી રિપોર્ટ ‘How India Invests 2025’ માં જણાવાયું છે કે, ઇન્ડસ્ટ્રીમાં આગામી વિકાસ તબક્કો નાના શહેરો અને નવા યુવા રોકાણકારોના યોગદાનથી આગળ વધશે.

ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM વર્ષ 2035 સુધીમાં ₹300 લાખ કરોડને વટાવી દેશે, એવો અંદાજ છે અને આ સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ઇક્વિટી હોલ્ડિંગ્સ પણ ₹250 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે.

દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહ્યું છે અને ઘણા પરિવારો માર્કેટ-લિંક્ડ રોકાણ તરફ આકર્ષાઈ રહ્યા છે. આનો ફાયદો ડિજિટલ પ્લેટફોર્મ, રેગ્યુલેશન અને રોકાણકારોના વધતા વિશ્વાસને થશે, કારણ કે તેઓ વેલ્થ ક્રિએશન માટે બજાર પર વધુ આધાર રાખી રહ્યા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, નવા ગ્રોથનો ભાગ ટોચના 30 શહેરોની બહાર રહેતા મોટા અને સમૃદ્ધ પરિવારો પાસેથી આવશે. ટોચના 30 શહેરો પછીના 70 શહેરોમાં આવેલા ઘણા રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડ્સને વધુ એક્ટિવ રીતે અપનાવશે એવી અપેક્ષા છે. આ વધતી ભાગીદારી લાંબાગાળાના રોકાણમાં વધારો દર્શાવે છે. ઇન્ડસ્ટ્રીની એસેટ્સમાં 5 વર્ષથી વધુ સમયની હોલ્ડિંગ્સનો હિસ્સો છેલ્લા કેટલાક વર્ષોમાં 2 ગણાથી પણ વધુ વધી ગયો છે.

ભારતમાં બેન ફાઇનાન્શિયલ સર્વિસીસના પાર્ટનર અને હેડ (Head) સૌરભ ત્રેહને જણાવ્યું હતું કે, ભારતીય પરિવારો ધીમે ધીમે બચત આધારિત માનસિકતાથી રોકાણના અભિગમ તરફ આગળ વધી રહ્યા છે. SIP ફ્લો અને લોન્ગ-ટર્મના હોલ્ડિંગમાં ઝડપથી વધારો થયો છે. એવામાં આવનારા વર્ષોમાં ભારતના આર્થિક વિકાસના ફાઇનાન્સિંગમાં આ ટ્રેન્ડ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Mutual Fund : રોકાણકારોને મોટી રાહત ! સેબીએ ટ્રાન્સફર નિયમો સરળ બનાવ્યા, બસ આ શરતો ધ્યાનમાં રાખો
