14 વર્ષનો આ ખેલાડી પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમશે, બનાવ્યો કેપ્ટન, જાણો
યુવા ભારતીય ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી માટે વર્ષ 2026 ખાસ યાદગાર બનવાનું છે. વૈભવ હવે પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મેદાનમાં ઉતરશે. આ મેચ 2026ના અંડર-19 વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે રમાશે, જે તેના કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થઈ શકે છે.

ભારતીય અંડર-19 ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. આ પ્રવાસ ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા 2026ના અંડર-19 વર્લ્ડ કપની અંતિમ તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ પ્રવાસ દરમિયાન વૈભવ સૂર્યવંશી ભારતીય અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે. કેપ્ટન આયુષ મ્હાત્રે ઈજાના કારણે પ્રવાસમાંથી બહાર થતાં, વૈભવને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

આ શ્રેણી વૈભવ સૂર્યવંશીની કારકિર્દીમાં ખાસ મહત્વ ધરાવે છે. આ તેની પહેલી વખત હશે જ્યારે તે ભારતીય અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે. સાથે જ, દક્ષિણ આફ્રિકા સામેની આ તેની ડેબ્યૂ મેચ હશે અને આફ્રિકન જમીન પર રમવાનો તેનો પહેલો અનુભવ પણ હશે.

વૈભવ સૂર્યવંશી પોતાની આક્રમક બેટિંગ માટે પહેલેથી જ ચર્ચામાં રહ્યો છે. સ્થાનિક ક્રિકેટ અને અંડર-19 સ્તરે તેના શાનદાર પ્રદર્શનને કારણે તેણે રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. આ પ્રવાસ તેના માટે ફક્ત કેપ્ટનશીપ કુશળતા સાબિત કરવાની તક જ નહીં, પરંતુ વર્લ્ડ કપ પહેલાં પોતાનું મજબૂત ફોર્મ જાળવી રાખવાનો પણ મહત્વપૂર્ણ અવસર છે.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની ODI શ્રેણી ભારતીય યુવા ટીમ માટે વિદેશી પરિસ્થિતિઓમાં અનુભવ મેળવવાની ઉત્તમ તક છે. ભારતીય ટીમને આવનારા અંડર-19 વર્લ્ડ કપમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે, જેમાં વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જ્યોર્જ (વાઈસ કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ, આર.એસ. એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન એ પટેલ, મોહમ્મદ ઇનાન, હેનીલ પટેલ, દેવેન્દ્રન દીપેશ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન, રાહુલ કુમાર અને ગોહિલ ગોહિલ.

ભારત-દક્ષિણ આફ્રિકા અંડર-19 ODI શ્રેણીનો શેડ્યૂલની વાત કરવામાં આવે તો પ્રથમ ODI: 3 જાન્યુઆરી – વિલોમૂર પાર્ક, બેનોનીમાં રમાશે. બીજી ODI: 5 જાન્યુઆરી – વિલોમૂર પાર્ક, બેનોનીમાં અને ત્રીજી ODI: 7 જાન્યુઆરી – વિલોમૂર પાર્ક, બેનોની રમાશે.
7 કરોડ રૂપિયાના ઓલરાઉન્ડરે એવો બોલ ફેંક્યો કે, લોકો વારંવાર જુએ છે આ Video
