Real Estate Documents : શું તમે ઘર કે જમીન ખરીદવા જઈ રહ્યા છો ? આટલા દસ્તાવેજો જરૂરથી ચકાસજો નહીંતર…
ભારતમાં મિલકતને લઈને છેતરપિંડી અને તેને લગતા વિવાદો સામાન્ય છે, તેથી કોઈપણ હસ્તાક્ષર (Signature) કરતા પહેલા દરેક દસ્તાવેજને સંપૂર્ણ રીતે તપાસવું મહત્વપૂર્ણ છે. એવામાં ચાલો જાણીએ કે, ઘર કે જમીન ખરીદતી વખતે કયા કયા દસ્તાવેજ પર ખાસ આપવું જોઈએ...

ઘર કે જમીન ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું છે. જો કે, ઘર કે જમીન ખરીદતી વખતે મોટાભાગના લોકો એક નાનકડી ભૂલ કરે છે. આ ભૂલ બીજી કોઈ જ નહીં પણ દસ્તાવેજને લગતી હોય છે.

'ટાઇટલ ડીડ' એ એક દસ્તાવેજ છે, જેનાથી ખબર પડે છે કે મિલકતનો અસલી માલિક કોણ છે. હંમેશા આની અસલ કોપી જ ચેક કરો. ખાતરી કરો કે, વેચનારનું નામ સરકારી રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં. આ ઉપરાંત, ટાઇટલ 'ક્લિયર' છે કે નહીં તેની ચકાસણી કરો, એટલે કે મિલકત પર કોઈ કેસ, વિવાદ અથવા ગીરો (Loan) નથી અને માલિકને તેને વેચવાનો સંપૂર્ણ અધિકાર છે.

વધુમાં 'એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ' (ENC) સૂચવે છે કે, મિલકત પર કોઈ બાકી લોન અથવા કાનૂની બોજો નથી. તમે આ પ્રમાણપત્ર સબ-રજિસ્ટ્રારની ઑફિસમાંથી લઈ શકો છો. તે સામાન્ય રીતે છેલ્લા 15 થી 30 વર્ષનો રેકોર્ડ દર્શાવે છે. જો પ્રોપર્ટી પર કોઈ બેંક લોન બાકી હશે, તો તે તેમાં સ્પષ્ટપણે દેખાઈ આવશે. આનાથી તમે જાણી શકશો કે, મૂળ માલિક પોતાની નાણાકીય જવાબદારીઓ તમારા પર તો નથી લાદી રહ્યો.

જો તમે કોઈ પ્રોજેક્ટમાં પ્લોટ કે ઘર ખરીદી રહ્યા છો, તો ખાતરી કરો કે બિલ્ડરને સ્થાનિક વિકાસ સત્તામંડળ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન (Local Development Authority or Municipal Corporation) તરફથી બધી મંજૂરીઓ મળી ગઈ છે. મંજૂર થયેલ પ્લાન (Approved Building Plan) જરૂરથી ચેક કરો અને જુઓ કે ખરેખરમાં બાંધકામ તે મુજબ થઈ રહ્યું છે કે નહીં. જો બિલ્ડરે પ્લાનથી અલગ કોઈ ગેરકાયદેસર ફેરફારો કર્યા હોય, તો આગળ જઈને તમને દંડ અથવા તોડી પાડવા (Demolition) ની નોટિસ મળી શકે છે.

બાકી ટેક્સ અથવા વીજળી-પાણીના બિલ ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આથી, વેચનાર પાસેથી તાજેતરની ટેક્સની રસીદો અને વીજળી-પાણીના બિલની ચુકવણીના પુરાવાઓ અવશ્ય લો. આનાથી એ સ્પષ્ટ થશે કે, મિલકત સ્થાનિક સંસ્થા (Local Body) માં યોગ્ય રીતે નોંધાયેલી છે.

જો મિલકત હાલમાં બાંધકામ હેઠળ છે, તો તપાસો કે પ્રોજેક્ટનું નામ રાજ્યની RERA વેબસાઇટ પર નોંધાયેલ છે કે નહીં. RERA રજીસ્ટ્રેશનનો અર્થ એ છે કે, બિલ્ડરોએ સ્થાપિત નિયમોનું પાલન કરવું જોઈએ અને ખરીદદારોને વધુમાં કાનૂની સુરક્ષા મળશે. આ એક નાનું પગલું છે, જે પાછળથી મોટા વિવાદોને અટકાવી શકે છે.

એક અનુભવી મિલકત સ્પેશિયાલિસ્ટ વકીલની સલાહ લો. તે દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરશે તેમજ 'Agreement to Sell' થી લઈને 'Sale Deed' સુધીની બધી માહિતી ચકાસશે.
નોંધ: ઉપર દર્શાવેલ તમામ માહિતી માત્ર માર્ગદર્શન હેતુ માટે જ છે. પ્રોપર્ટીને લગતા નિયમો દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે, જેની ચકાસણી કરવી આવશ્યક છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
