મધ્યમ વર્ગ માટે ખુશીના સમાચાર! ‘બજેટ 2026’ હેઠળ ઘર, ઇન્શ્યોરન્સ અને સારવાર ખર્ચમાં મળી શકે છે ‘મોટી છૂટ’
'બજેટ 2026' ને લઈને દેશના મધ્યમ વર્ગ અને સામાન્ય માણસની અપેક્ષાઓ વધી ગઈ છે. મોંઘવારી અને રોજબરોજના ખર્ચાઓ વચ્ચે લોકો આ વખતે બજેટમાં એવા પગલાંની શોધમાં છે કે, જે તેમના ખિસ્સા પરનો બોજ ઘટાડે.

નિષ્ણાતોનું માનવું છે કે, આ બજેટ માત્ર અર્થતંત્રને મજબૂત કરવા પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ સામાન્ય પરિવારો માટે પણ અનેક રાહત પેકેજ લાવી શકે છે.

મુંબઈ સ્થિત વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચના એસોસિએટ પ્રોફેસર ડો. કવિતા કનબારના જણાવ્યા અનુસાર, બજેટ 2026નું ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ (ડિફેન્સ) અને નિકાસ (એક્સપોર્ટ્સ) પર રહેશે, જેનાથી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થશે તેમજ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મજબૂત બનશે. આ સાથે જ સામાન્ય માણસને ટેક્સ, GST અને વીમા (ઈન્શ્યોરન્સ) ક્ષેત્રે રાહત મળવાની શક્યતા છે.

બજેટ 2026માં રેલવે, રોડ, એર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ઘણા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ વધવાની શક્યતા છે. આનાથી માત્ર રોજગારી જ નહીં વધે પરંતુ મધ્યમ વર્ગના પરિવારોને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ પણ મળશે. કસ્ટમ અને ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) માં સુધારા કરવા તેમજ ટેરિફ રેશનલાઈઝ (દર તર્કસંગત) કરવાના પગલાં પણ સામાન્ય માણસને મોંઘવારીમાંથી રાહત અપાવવામાં મદદ કરશે.

ગયા વર્ષના સુધારાઓને ધ્યાનમાં રાખતા આ વખતના બજેટમાં GSTમાં છૂટ અને જીવન તથા સ્વાસ્થ્ય વીમા (Life and Health Insurance) પર ટેક્સ રાહત વધવાની અપેક્ષા છે. આનાથી મધ્યમ વર્ગના પરિવારો માટે વીમા પોલિસી લેવી સરળ બનશે અને સારવારના ખર્ચમાં સીધો લાભ મળશે.

બજેટ 2026માં MSME અને સ્ટાર્ટ-અપ્સને ટેક્સ-ફ્રી પ્રોત્સાહન આપવાનું આયોજન છે. આનાથી નાના વ્યવસાયોની ઉત્પાદકતા (Productivity) વધશે અને તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકશે. આનાથી સામાન્ય માણસને રોજગારીની તકોમાં વધારો અને અર્થતંત્રમાં સ્થિરતાનો સીધો ફાયદો મળશે.

મધ્યમ વર્ગ અને નાના પરિવારોની નજર આ બજેટ પર છે. તેઓ ઈચ્છે છે કે, ઘર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચમાં રાહત મળે તેમજ ટેક્સના બોજમાં ઘટાડો થાય. નિષ્ણાતોનું કહેવું છે કે, જો 'બજેટ 2026' આ પાસાઓ પર ધ્યાન આપશે, તો તે સામાન્ય પરિવારો માટે રાહતનું મોટું પેકેજ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: લાખો-કરોડોનો ‘ટેક્સ’ બચી જશે! ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ સેક્શન હેઠળ મળશે ‘મોટી રાહત’
