અમદાવાદના જીવરાજપાર્ક એસીના ગોડાઉનમાં ત્રીજીવાર લાગી આગ, તપાસ પૂર્ણ થયા બાદ મકાનને AMC તોડી પાડશે
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ જ્ઞાનદા સોસાયટીના એક મકાનમાં ગઈકાલ રવિવારે લાગેલ આગ પર એક તબક્કે સંપૂર્ણકાબૂ લેવાઈ ગયા બાદ પણ કુલ ત્રણવાર આગ ભડકી ઊઠી હતી. રવિવારે મોડી રાત્રે અને સોમવારે પણ કાટમાળમાં આગના લપકારા જોવા મળ્યા હતા.


અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીના એક મકાનમાં એસી રિપેર કરવા ઉપરાંત એસીના સ્પેરપાર્ટસનુ ગોડાઉન હતું. જેમાં રવિવાર 6 એપ્રિલે લાગેલી આગ એટલી ભયાનક હતી કે, બધુ જ બળીને ખાક તઈ ગયું. આ આગમાં સગર્ભા મહિલા અને તેનો પુત્ર મોતને ભેટ્યા છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો કરીને, રવિવારે મોડી સાંજ સુધી આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. પરંતુ કોઈક કારણોસર, મોડી રાત્રે અને બીજા દિવસ સોમવારે પણ એ જ મકાનમાં આગ ફરીથી લાગી હતી. જેને અમદાવાદ ફાયર બ્રિગેડે પાણીનો મારો કરીને કાબૂમાં લીધી હતી.

સતત ત્રીજીવાર એક જ જગ્યાએ આગ લાગી હોવાથી, અમદાવાદ ફાયર બ્રિગેડે, કેટલાક કર્મચારીઓને સ્થળ ઉપર ફાયર ટેન્ડર સાથે સ્ટેન્ડ ટુ રાખ્યા છે.



અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીના એ બંગલાની આજુબાજૂમાં પાર્ક કરવામાં આવેલ કાર અને દ્વિચક્રી વાહનો પણ આગની લપેટમાં આવીને બળીને ખાક થયા હતા.

આગને વધુ ફેલાવવામાં એસીમાં વપરાતા ગેસના નાના રિફીલનો જથ્થો જવાબદાર છે. આ મકાનમાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી વિના જ એસી મરામત અને તેના વિવિધ પુરજાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

































































