ગુજરાતમાં PM મોદી, રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ એકતાનગરને રૂપિયા 1220 કરોડના વિકાસ કામોની મળી ભેટ
રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રૂ. 1220 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને સાકાર કરતી આ પ્રસંગે તેમણે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આનંદ માણ્યો હતો.

વડોદરાથી એકતાનગર પહોંચ્યા બાદ વડાપ્રધાનશ્રી સીધા ડેમ વ્યૂ પોઇન્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતિ જન્મશતાબ્દિ નિમિત્તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના રૂ. 150ના સ્મૃતિ સિક્કા તથા ખાસ ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. આ સાથે જ વડાપ્રધાનએ અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોશી તથા ચેરમેન મુકેશ પૂરી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનશ્રીએ 367.25 કરોડના ખર્ચે “ધ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઈન્ડિયા”, રૂ. 140.45 કરોડના ખર્ચે “વિઝિટર સેન્ટર”, રૂ. 90.46 કરોડના ખર્ચે “વીર બાલક ઉદ્યાન”, રૂ. 27.43 કરોડના ખર્ચે “ટ્રાવેલેટર એક્સ્ટેન્શન”, રૂ. 23.60 કરોડના ખર્ચે “સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ” તથા અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત ઈ-બસ સેવાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

એકતા નગર ખાતે રૂ. 56.33 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ, રૂ. 303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન, રૂ. 54.65 કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1), રૂ. 30 કરોડના ખર્ચે 25 ઈ-બસો, રૂ. 20.72 કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂ. 18.68 કરોડના ખર્ચે “વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન)”, રૂ. 8.09 કરોડના ખર્ચે “વોક વે (ફેઝ-2)” સહિતના અનેક કામોનું વડાપ્રધાનશ્રીએ લોકાર્પણ કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દૃશ્ય-શ્રાવ્ય નાટિકાથી કરવામાં આવી હતી, જે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકથાનક પર આધારિત હતી. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના કલાકારોએ આ નાટિકાનું જીવંત અને ભાવનાત્મક મંચન કર્યું હતું. તેમાં સરદાર સાહેબના બાલ્યકાળના સાહસો, અપ્રમાણિક શિક્ષકનો વિરોધ, માતૃશોક હોવા છતાં કોર્ટમાં દલીલો ચાલુ રાખવી, અમદાવાદ અને બારડોલીના આંદોલનો, ટિળક અને ગાંધીજીનું મિલન તથા જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરના રજવાડાનું વિલીનીકરણ જેવી ઐતિહાસિક ઘટનાઓને જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી. ગીત “ના દેંગે ધાન, ના હિ દેંગે લગાન” સાથે સમાપ્ત થયેલ આ નાટકને પ્રેક્ષકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ, સેનાના જવાનો તેમજ રાજ્યના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનએ કાર્યક્રમ દરમ્યાન સરદાર સાહેબના અખંડ રાષ્ટ્રીય એકતાના સંદેશને સ્મરતા કહ્યું કે એકતાનગર માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ “ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક” છે.
