વડોદરામાં મહાશિવરાત્રીનો ભવ્ય ઉત્સવ: ‘શિવજી કી સવારી’માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી
વડોદરાના આંગણે શિવરાત્રીના પાવન પર્વે નીકળનારી ઐતિહાસિક શિવયાત્રામાં આ વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ સર્વેશ્વર મહાદેવ ખાતે મહાઆરતીમાં ભાગ લેશે, જેને પગલે શહેર પોલીસ દ્વારા 3500થી વધુ જવાનો સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વડોદરામાં મહાશિવરાત્રીના પર્વને ભવ્યાતિભવ્ય બનાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે શિવરાત્રીનો ઉત્સવ વિશેષ બની રહેશે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે ‘શિવજી કી સવારી’માં સહભાગી થવા વડોદરા આવી રહ્યા છે. પ્રતાપનગર સ્થિત ઋણ મુક્તેશ્વર મહાદેવના મંદિરથી આ ભવ્ય સવારીનો પ્રારંભ થશે, જેમાં અમિત શાહ લાલ કોર્ટ પાસે શિવજીનું સ્વાગત કરશે અને ત્યારબાદ સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત પ્રતિમાની મહાઆરતીમાં જોડાશે.
ગૃહમંત્રીની સુરક્ષા અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસે અભેદ કિલ્લા જેવો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ 8 DCP, 14 ACP, 85 PI અને 275 PSI સહિત કુલ 3500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ખાસ વાત એ છે કે, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચ પણ હોવાથી પોલીસ વિભાગ વધુ સતર્ક છે. શહેરના 23 જેટલા મુખ્ય મંદિરોમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે જેથી કોઈપણ અફવા કે અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. વડોદરાવાસીઓમાં શિવભક્તિ અને વીવીઆઈપી મહેમાનના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
