13 જાન્યુઆરીના રોજ અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરમાં 'એકતા, વિવિધતા અને સંવાદિતા' ની થીમ અંતર્ગત વિશિષ્ટ ઉજવણીમાં વિશ્વભરના 20 થી વધુ દૂતાવાસોના ડિફેન્સ એટેચીઓ, પરિવારો અને મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં ભારત, બેલ્જિયમ, કેનેડા, કોમોરોસ ટાપુ, ઝેક રિપબ્લિક, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ, કોરિયા, મોઝામ્બિક, ટાંઝાનિયા, સર્બિયા, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે દેશોના સંરક્ષણ એટેચીઓ સાથે વિભિન્ન રાષ્ટ્રીયતાઓ અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતાં અનેક લોકોએ હાજરી આપી હતી, જે આંતર-સાંસ્કૃતિક સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે મંદિરની ભૂમિકા અને પ્રભાવને દર્શાવે છે. બી.એ.પી.એસ. ટ્રસ્ટી બોર્ડના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા આમંત્રિત પ્રતિનિધિઓનું પારંપરિક રીતે પુષ્પહાર તથા પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
1 / 6
"વસુધૈવ કુટુંબકમ - સમગ્ર વિશ્વ એક પરિવાર છે" ના વૈશ્વિક સંવાદિતાના સંદેશને પ્રવાહિત કરતા આ મંદિરમાં પ્રતિનિધિઓએ 'ડ્યુન ઓફ પ્રેયર'ની મુલાકાત લીધી હતી. જે 1997 માં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આ મંદિર માટે કરેલાં ઐતિહાસિક સંકલ્પ અને પ્રાર્થનાનું પ્રતીક છે. સર્વે પ્રતિનિધિઓએ અહીં વિશ્વશાંતિ અને સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
2 / 6
ત્યારબાદ મંદિરની અદ્ભુત સર્જન યાત્રાને દર્શાવતા 'ધ ફેરી ટેલ' ઇમર્સિવ શો નિહાળીને સૌ પ્રતિનિધિઓ મંત્રમુગ્ધ થયા હતા. 20 વિડીયો પ્રોજેક્ટરના ઉપયોગ દ્વારા, અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે ચારેય દિવાલો અને ફ્લોર પર થતા પ્રોજેકશન સૌને મંદિરની રોમાંચક નિર્માણ ગાથાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે. 'ફેરી ટેલ' શો બાદ, એક કલાકાર દ્વારા મંદિરને ઉદારતાથી દાનમાં આપવામાં આવેલા ઝેક રિપબ્લિકના 6,500 વર્ષ જૂના સબ-ફોસિલ ઓક્સ વૃક્ષના અવશેષો નિહાળીને સૌ વિસ્મિત થઈ ગયા હતા.
3 / 6
મંદિરના અનુપમ સ્થાપત્ય અને અત્યંત વિસ્તૃત કલા-કારીગરી અને બારીક નકશીકામ નિહાળીને સૌ મહાનુભાવો અભિભૂત થયા હતા, તેમજ આ સમગ્ર સ્થાપત્ય દ્વારા ઉજાગર થતા આધ્યાત્મિક ઉન્નતિ, સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સામાજિક સેવાના સંદેશને સૌએ આત્મસાત કર્યો હતો. મંદિરની અંદર પ્રતિનિધિઓએ પ્રાર્થના કરી હતી, સાથે સાથે મંદિરના આગળના ભાગ પર અદભુત રીતે કોતરવામાં આવેલી વિશ્વની પ્રાચીન સભ્યતાઓની વિવિધ મૂલ્ય- વાર્તાઓને નિહાળીને અહોભાવ વ્યક્ત કર્યો હતો.
4 / 6
મંદિરમાં પર્યાવરણીય જાગરૂકતા- સસ્ટેનિબિલિટીના પ્રતીક ' ધ ઓર્ચાર્ડ' માં સાંજના કાર્યક્રમનું સમાપન કરતા મંદિરના મુખ્ય સંત પૂ.બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તેઓના સંબોધનમાં કહ્યું: "અબુ ધાબીમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર ભગવાન અને માનવતા પ્રત્યેના આપણા ઊંડા પ્રેમને, વૈશ્વિક સંવાદિતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને તેમજ સંઘર્ષરત લોકોમાં પણ ધરબાયેલી શાંતિની ઝંખનાને પ્રતિબિંબિત કરે છે. વિશ્વમાં અનેક પુષ્પો, ચહેરાઓ અને જાતિઓની વિશાળ વિવિધતા આપણી તે માન્યતાને મજબૂત બનાવે છે કે - જેમણે આ સૃષ્ટિનું, આપણાં સૌનું સર્જન કર્યું છે તે પણ ‘વૈવિધ્યમાં એક્તા’માં માને છે."
5 / 6
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો મંદિર નિર્માણમાં તેમની ઉદારતા અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આપણે ફક્ત આપણા પોતાના હિત માટે જ નહીં, પરંતુ વધુ સારા, વધુ શાંતિપૂર્ણ વિશ્વ માટે, અને વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વધુ સ્થિરતા લાવવા માટે, સકારાત્મક વિચારસરણી દ્રઢ કરવી જોઈએ.
6 / 6
Tv9 ગુજરાતી પર BAPSની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો BAPS ની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો