વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃત્તિ લીધી નથી… હોબાળા બાદ ICCને કરવો પડ્યો ફેરફાર
ICCએ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ ICC ODI રેન્કિંગમાંથી દૂર કરી દીધા હતા. ગયા અઠવાડિયે આ બંને ખેલાડીઓ ટોપ 5 માં હતા. જે બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, ICCએ હવે પોતાની ભૂલ સુધારી લીધી છે.

ICCએ લેટેસ્ટ ODI રેન્કિંગ જાહેર કરી હતી, જેમાં એક ચોંકાવનારી ભૂલે ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. ભારતીય ક્રિકેટ ટીમના બે મહાન ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટોપ-100 બેટ્સમેનોની યાદીમાંથી ગાયબ હતા.

આ સમાચાર વધુ ચોંકાવનારા હતા કારણ કે ગયા અઠવાડિયે આ બંને ખેલાડીઓ ટોપ-5 માં સામેલ હતા. આ ભૂલે સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં હંગામો મચાવ્યો હતો, અને ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું રોહિત અને કોહલીએ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે?

ICCના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય અથવા છેલ્લા 9-12 મહિનામાં કોઈ ODI મેચ ન રમ્યો હોય તો તેને ODI રેન્કિંગમાં સ્થાન મળતું નથી. આ પરિસ્થિતિ રોહિત શર્મા અને વિરાટ કોહલીને લાગુ પડતી નથી, બંને ભારતીય ODI ટીમના નિયમિતમાં સક્રિય છે.

તેમ છતાં, રેન્કિંગમાં તેમની ગેરહાજરીએ ચાહકોમાં મૂંઝવણ ઊભી કરી હતી. કેટલાક સમયથી, અટકળો ચાલી રહી હતી કે શું આ બંનેએ શાંતિથી ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે .

જોકે, આ સમગ્ર ઘટના ICC તરફથી એક ટેકનિકલ ભૂલ હતી. ICCએ તરત જ ભૂલ સ્વીકારી અને તેને સુધારી. હવે લેટેસ્ટ અપડેટ પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI રેન્કિંગમાં પાછા ફર્યા છે.

ICCની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયેલા નવા રેન્કિંગમાં, રોહિત શર્મા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે અને વિરાટ કોહલી ચોથા સ્થાને છે. ગયા અઠવાડિયે પણ આ બંને ખેલાડીઓ એક જ સ્થાન પર હતા, જે સ્પષ્ટ કરે છે કે તેમના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલા, તેઓએ 2024 T20 વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે આ બંને ખેલાડીઓ ફક્ત ODIનો ભાગ છે.

ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાની છે, જ્યાં ODI શ્રેણી રમાશે. આ બંને ખેલાડીઓ આ શ્રેણીમાંથી મેદાનમાં પાછા ફરી શકે છે. હાલમાં બંને ખેલાડીઓ બ્રેક પર છે. (All Photo Credit : PTI / GETTY)
T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ વનડેમાંથી રોહિત અને વિરાટની નિવૃત્તિ અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
