ભૂખ્યા પેટે કેમ વાગે છે ‘ઢોલ’ ? કેમ આવે છે ગુડગુડનો અવાજ ? આ અવાજ ફક્ત ભૂખ જ નહીં, પણ આ 4 મોટો સંકેત હોઈ શકે છે!
શું ખાલી પેટે કે જમ્યા પછી તમારા પેટમાંથી પણ અવાજ આવે છે? મોટાભાગના લોકો તેને માત્ર ભૂખ લાગવાનું કારણ માને છે, પરંતુ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટના મતે આ પાછળનું સત્ય કંઈક અલગ જ છે!

ખાલી પેટે કે ખોરાક લીધા પછી પેટમાંથી આવતા ગુડગુડના અવાજને તબીબી ભાષામાં 'બોર્બોરિગ્મી' કહેવામાં આવે છે. આ અવાજ પેટ અને આંતરડામાં ગેસ, પ્રવાહી (લિક્વિડ) અને ખોરાકની ગતિને કારણે ઉત્પન્ન થતી એક સામાન્ય પાચન ક્રિયા છે.

પેટ ખાલી થયાના લગભગ 90 થી 120 મિનિટ પછી શરીરનો 'માઇગ્રેટીંગ મોટર કોમ્પ્લેક્સ' (MMC) સિસ્ટમ સક્રિય થાય છે. આ પ્રક્રિયા આંતરડામાં બચેલા ખોરાકના કણો, બેક્ટેરિયા અને મૃત કોષોને આગળ ધકેલે છે. ખાલી પેટે હવામાંથી પસાર થતી આ પ્રક્રિયાને કારણે ગડગડાટ સ્પષ્ટ સંભળાય છે.

જમ્યા પછી પણ જો પેટમાંથી અવાજ આવે તો તેનું કારણ સ્નાયુઓનું સંકોચન (Peristalsis) છે. ભારે ખોરાક, પ્રવાહી અને હવા જ્યારે આંતરડામાંથી પસાર થાય છે, ત્યારે આંતરડા ખોરાકને પચાવવા મિક્સ કરે છે, જેથી જમ્યા પછી પણ આવો અવાજ આવવો સામાન્ય છે.

ઝડપથી ખાવાની ટેવ, ચ્યુઇંગમ ચાવવું અથવા સ્ટ્રોથી પ્રવાહી પીવાથી પેટમાં વધુ હવા જાય છે. આ ઉપરાંત, આંતરડાના બેક્ટેરિયા જ્યારે કાર્બોહાઇડ્રેટ્સનું ફર્મેન્ટેશન (આથો) કરે છે ત્યારે ગેસ બને છે. આ ગેસના પરપોટા ગુડગુડનો અવાજ ઉત્પન્ન કરે છે.

આપણું મગજ અને પાચનતંત્ર એકબીજા સાથે સીધા જોડાયેલા છે. જ્યારે વ્યક્તિ તણાવ કે ચિંતામાં હોય છે, ત્યારે આંતરડાની હલચલ ઝડપી બની જાય છે, જેના કારણે પાચન પ્રક્રિયા ઝડપી થાય છે અને પેટમાંથી વધુ અવાજો સંભળાય છે.

ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. નિર્દેશ ચૌહાણના જણાવ્યા અનુસાર, પેટમાંથી અવાજ આવવો એ પાચનની સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો તે સતત રહે તો તેને હળવાશથી ન લેવું જોઈએ.

જો પેટમાંથી અવાજ આવવાની સાથે પેટમાં તીવ્ર દુખાવો, સતત પેટ ફૂલવું, ઉબકા આવવા અથવા શૌચ (Stool) કરવાની આદતોમાં ફેરફાર જેવા લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ પોષક તત્વોના અબ્સોર્પ્શનમાં ગડબડ કે આંતરડાની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
ખેડૂતો માટે ક્રાંતિ : ખેતરમાં ચાલતા-ચાલતા જ ચાર્જ થશે આ ટ્રેક્ટર ! ન ડીઝલનો ખર્ચ, ન અવાજ ! જાણો કેમ છે ખાસ
