સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી, જુઓ Photos
અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. મંદિર શણગારાયું છે અને રથો તૈયાર છે. સરસપુર (મોસાળ)માં લાખો ભક્તો માટે પ્રસાદ બનાવાઈ રહ્યો છે.

ભગવાન જગન્નાથન ની નગરયાત્રાની આગમનની ઘડીયો ગણાઈ રહી છે. અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ભગવાનના રથ નગર યાત્રા માટે નવા રૂપ રંગથી તૈયાર થઈ ગયા છે.

બીજી બાજુ સરસપુર એટલે કે ભગવાનના મોસાળમાં પોતાના ભાણેજના આગમનની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. સરસપુર રણછોડરાયજી મંદિરમાં અને આજુબાજુની આવેલી પોળો અને શેરીઓમાં આવનાર ભક્તો માટે પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.

ગાંધીની પોળમાં મોહનથાળ, ફૂલવડી અને બટાકાનું શાક ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે બનાવવામાં આવે છે. લુહારની શેરીમાં બટેકાનું શાક, પુરી અને મોહનથાળ ભક્તોને પીરસવામાં આવે છે.

મોટી સાળવી વાડ શેરીમાં ભક્તોને પ્રસાદીમાં બુંદીના લાડુ પુરી, મિક્સ શાક, ચણા નું શાક આપવામાં આવે છે. જ્યારે કડિયા ની પોળમાં કોડમાં પ્રસાદી સ્વરૂપે ખીચડી અને રસાવાળું શાક આપવામાં આવે છે. તો દેસાઈની પોળમાં ભક્તોને વહેલી સવારથી જ ગરમ ગરમ ચા બનાવીને આપવામાં આવે છે.

મોસાળમાં આશરે દોઢ લાખથી પણ વધારે ભક્તો માટે પ્રસાદી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ભગવાનના આશીર્વાદથી આજ સુધી ક્યારેય પણ એવું બન્યું નથી કે કોઈપણ ભક્ત પ્રસાદ લીધા વગર ખાલી હાથે પાછો ફર્યો હોય. ભક્તો માટે પ્રસાદીનો આ સેવા યજ્ઞ દરેક રથયાત્રામાં પ્રજવલિત રહે છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો