Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 1400 થી વધુના મોત, ભારત મોકલી 21 ટન રાહત સામગ્રી
રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સામે આવેલ માહિતી અનુસાર 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 21 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, રાહત સામગ્રી હવાઈ માર્ગે કાબુલ પહોંચાડવામાં આવી રહી છે.

અફઘાનિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપથી લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. રવિવારે રાત્રે આવેલા આ ભૂકંપમાં ઓછામાં ઓછા 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને 2500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 21 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે ભારત તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા તૈયાર છે.

તાલિબાને કુદરતી આપત્તિની આ સંકટની ઘડીમાં મદદ કરવા માટે તમામ દેશોને અપીલ કરી છે. બ્રિટન, ચીન સહીતના ઘણા દેશોએ આ સંકટમાંથી બહાર નીકળવા માટે અફઘાનિસ્તાનને આપત્તિ રાહત સહાયની ઓફર કરી છે. બ્રિટને 10 લાખ પાઉન્ડની કટોકટી સહાયનું વચન આપ્યું છે.

ભૂકંપગ્રસ્ત અફધાનિસ્તાનમાં, ભારતીય સહાય હવાઈ માર્ગે કાબુલ પહોંચી રહી છે. મંગળવારે 21 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં ધાબળા, તંબુ, સ્વચ્છતા કીટ, પાણી સંગ્રહ ટાંકી, જનરેટર, રસોડાના વાસણો, પોર્ટેબલ વોટર પ્યુરિફાયર, સ્લીપિંગ બેગ, આવશ્યક દવાઓ, વ્હીલચેર, હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું.

અફઘાન અધિકારીઓએ માહિતી આપી છે કે પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 1400 થી વધુ થઈ ગયો છે અને 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. WHO અનુસાર, આ ભૂકંપથી 12 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
આ પણ વાંચોઃ ભારતે ભાવ ના આપતા જગત જમાદાર ગિન્નાયા, દવા પર 200 ટકા ટેરિફ લાદવાની તૈયારી