‘મોદીજી… તમે અમને તમારાથી દૂર કર્યા’, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, હિન્દુત્વ વિશે કહી આ વાત
સાવંતવાડીમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમે તમારી (ભાજપ અને પીએમ મોદી) સાથે છીએ. શિવસેના તમારી સાથે હતી. અમે ગયા વખતે અમારા ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. તમે વડાપ્રધાન બન્યા કારણ કે વિનાયક રાઉત જેવા અમારા સાંસદો ચૂંટાયા હતા. પણ પછીથી તમે તમારી જાતને અમારાથી દૂર કરી દીધી.

શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, પરંતુ તેમનું વર્તન બદલાઈ રહ્યું હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે, તેઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુશ્મન ન હતા અને આજે પણ નથી.
તેમણે કહ્યું કે, પીએમ મોદીએ જ સેના સાથે સંબંધો તોડવાનો નિર્ણય લીધો હતો. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીની મહારાષ્ટ્ર મુલાકાત પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ એ જોવા મહારાષ્ટ્ર આવે છે કે અહીંથી ગુજરાતમાં શું લઈ જઈ શકાય.
ભાજપ ભગવા ઝંડાને ફાડવાની કોશિશ કરી રહી છે : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘હું મોદીજીને કહેવા માંગુ છું કે, અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા. આજે પણ આપણે દુશ્મન નથી. અમે તમારી સાથે હતા. શિવસેના તમારી સાથે હતી. અમે ગયા વખતે અમારા ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. તમે વડાપ્રધાન બન્યા કારણ કે વિનાયક રાઉત જેવા અમારા સાંસદો ચૂંટાયા હતા. પણ પછીથી તમે તમારી જાતને અમારાથી દૂર કરી દીધી. આપણો હિન્દુત્વ અને ભગવો ધ્વજ હજુ પણ અકબંધ છે. પરંતુ આજે ભાજપ એ ભગવા ઝંડાને ફાડવાની કોશિશ કરી રહી છે.
BJP પર કર્યા આકરા પ્રહારો
તેઓ સાવંતવાડીમાં જનસભાને સંબોધી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે આ દિવસોમાં કોંકણ પ્રવાસ પર છે અને તે લોકસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ કરી રહ્યા છે જ્યાં તેમની પાર્ટી ચૂંટણી લડવાની સંભાવના છે. શિવસેના (UBT) પ્રમુખે કહ્યું કે, અન્ય કોઈપણ ચૂંટણીઓથી વિપરીત 2024ની સામાન્ય ચૂંટણી અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.
ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘દર વર્ષે આપણે પ્રજાસત્તાક દિવસની એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. મને ડર છે કે જો સત્તામાં રહેલા રાક્ષસો ફરી ચૂંટાઈ આવશે, તો આગામી પ્રજાસત્તાક દિવસ આપણી સામે ક્યારેય નહીં આવે. આ સરમુખત્યારનો દિવસ હશે.
મોદીની મહારાષ્ટ્રની મુલાકાતો પર પણ પ્રહારો કર્યા
આગામી ચૂંટણીઓ પહેલા તેમના કાર્યકરોને એકજુટ રહેવાની અપીલ કરતા ઠાકરેએ કહ્યું, ‘જેમણે અમને પરેશાન કર્યા છે તેમને એવો કઠોર પાઠ ભણાવવામાં આવશે કે આવનારી પેઢી તેમના નામ પણ યાદ નહીં રાખે.’ ઠાકરેએ મોદીની મહારાષ્ટ્રની મુલાકાતો પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે, પીએમની કોંકણની છેલ્લી મુલાકાત પછી સિંધુદુર્ગથી સબમરીન પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો હતો.
તેમની પાર્ટી પહેલા જ્યાં હતી ત્યાં જ ઉભી છે : ઠાકરે
તેમણે કહ્યું, ‘તે (મોદી) વારંવાર મહારાષ્ટ્રની મુલાકાતે છે. મને ડર છે કે તે જ્યાં પણ આવશે ત્યાંથી તે ગુજરાત માટે કંઈક ને કંઈક લઈ જશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બીજેપીએ અન્ય લોકોને પોતાની પાર્ટીમાં લાવવાની પ્રક્રિયામાં પોતાની ઓળખ ગુમાવી દીધી છે અને તેમની પાર્ટી પહેલા જ્યાં હતી ત્યાં જ ઉભી છે.
તેમણે કહ્યું, ‘આજે મુસ્લિમો અમારી સાથે આવી રહ્યા છે કારણ કે તેઓ સમજી ગયા છે કે અમારું હિન્દુત્વ બે ધર્મો વચ્ચે આગ ભડકાવવાનું નથી. અમારું હિન્દુત્વ રસોડામાં ચૂલો સળગાવવાનું છે, જ્યારે તમારું (ભાજપનું) હિન્દુત્વ ઘર સળગાવવાનું છે.