રાજ્યમાં અટકવાનો નામ નથી લઈ રહ્યો રફ્તારનો કેર, નશાખોર નબીરાના પાપે નિર્દોષો ગુમાવી રહ્યા છે જીવ- Video
રાજ્ય અને દેશભરમાં "રફ્તાર"નો કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અને નશાખોર નબીરાઓના પાપે નિર્દોષોને ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. ગાંધીનગર અને વડોદરાથી લઈ ચંડીગઢ સુધી ખૂબ જ હચમચાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
સૌથી પહેલાં અહીં વીડિયોમાં દેખાતી ત્રણ તસવીરોને નિહાળો, જ્યાં રફ્તારના કહેરની ત્રણ ઘટનામાં 6 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો. એકસાથે 3 વાહનોને તેણે અડફેટે લીધાં. જેમાં અન્ય કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. મોડી રાત્રે “સંસ્કારી નગરી” વડોદરાના રસ્તા પર “તથ્યકાંડ” જેવો કોહરામ મચી ગયો. નશામાં ધૂત નબીરાએ બેફામ કાર હંકારી 5 લોકોને કચડ્યા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું. આ તરફ ચંડીગઢમાં સ્પીડમાં દોડતી કારે ત્રણ-ત્રણ લોકોનો જીવ લઈ લીધો. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ એક હોમગાર્ડ જવાન અને એક સામાન્ય વ્યક્તિ સામેલ છે.
ઘટના ચંડીગઢના ઝીરકપુર વિસ્તારમાંથી સામે આવી રહી છે કે જ્યાં આજે વહેલી સવારે બે પોલીસકર્મીઓ નાકા પર એક કારને રોકીને ચેકિંગ કરી રહ્યા હતા. કાર ચાલક કારની બહાર નીકળી પોલીસકર્મીઓને તેના ડોક્યુમેન્ટ બતાવી રહ્યો હતો અને તે જ સમયે પાછળથી સ્પીડમાં એક સ્વીફ્ટ કાર આવી. તેણે એટલી જોરદાર ટક્કર મારી કે બે પોલીસકર્મી અને ચેકિંગ કરાવી રહેલા કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. દુર્ઘટનાને અંજામ આપ્યા બાદ બેફામ કાર ચાલક ફરાર થઈ ગયો છે. જેની શોધખોળ હાથ ધરાઈ છે.
વડોદરાની વાત કરીએ તો રફ્તારનો આતંક CCTVમાં કેદ થયો છે. વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ગત મોડી રાત્રે બેફામ કાર ચાલકે અનેક વાહનોને અડેફેટે લીધા. જેમાં ટુવ્હીલર પર સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું. જ્યારે તેની દીકરી પણ ગંભીર ઈજાગ્રસ્ત થઈ છે.
હચમચાવી દેતા અકસ્માત બાદ પણ કારચાલકના ચહેરા પર ન તો કોઈ ડર હતો કે ન તો નિર્દોષોને ઉડાવી દીધાંનો કોઈ અફસોસ. તે કારમાંથી બહાર નીકળીને ‘અનધર રાઉન્ડ.. અનધર રાઉન્ડ’ એવી બૂમો પાડવા લાગ્યો. સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યો. પણ, જાણે તેને કોઈ ભાન જ ન હોય તે પ્રકારે તે વર્તી રહ્યો હતો. આરોપી 120ની રફ્તારે કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત સર્જનાર નબીરાનું નામ. રક્ષિત ચૌરસિયા હોવાનું અને તે મૂળ વારાણસીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિકના તમામ કાયદાઓનો ભંગ કરનાર આરોપી પોતે એમ. એસ. યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. તો જે કારથી તેણે અકસ્માત સર્જાયો તે ફોક્સ વેગન વર્ચસ કાર તેની બાજુમાં બેઠેલા મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાનું સામે આવ્યું છે.
આરોપી ભલે કોઈ વ્યસન કર્યાનો નનૈયો ભણતો હોય. પરંતુ રેપિડ ટેસ્ટમાં તેણે અને તેના મિત્રએ ડ્રગ્સનો નશો કર્યાનો ખુલાસો થયો છે. બન્ને ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લઈને આવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. પરંતુ, હાલ તો આ નબીરાને લીધે એક પરિવારનો માળો વિંખાઈ ગયો છે.
આ તરફ દહેગામમાં પણ નશામાં ધૂત કારચાલકે દંપતીનો ભોગ લીધો. સાથે જ તેણે એક ST બસને પણ ટક્કર મારી હતી. જેને પગલે બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જો કે સ્થાનિકોએ નશાખોર કારચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.