જો કોઈ વ્યક્તિ કોઈને કાળો ઝંડો બતાવે, તો એ ગેરકાયદેસર કૃત્ય છે ? હાઈકોર્ટે આપ્યો જવાબ
એક કેસની સુનાવણી વખતે કોર્ટે, જો કોઈ વ્યક્તિ કોઈને કાળો ઝંડો બતાવે, તો એ ગેરકાયદેસર કૃત્ય ગણાય કે નહીં તેમજ તેને બદનક્ષીમાં ગણી શકાય કે નહીં તે અંગે જવાબ આપ્યો છે. ત્યારે આ લેખમાં અમે તમને કોર્ટના આ ફેંસલા અંગે જાણકારી આપીશું.
કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિને કાળો ઝંડો બતાવવો એ આઈપીસીની કલમ 499 હેઠળ બદનક્ષી અથવા ગેરકાયદેસર કૃત્ય ગણી શકાય નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે વિરોધ તરીકે કોઈપણ રંગનો ધ્વજ બતાવવામાં આવે તો પણ આવા કૃત્યને ગેરકાયદેસર કૃત્ય ગણી શકાય નહીં. આ સાથે કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રીના કાફલાના વિરોધ સામેનો કેસ ફગાવી દીધો છે.
કેસની વિગતો એવી છે કે, 09 એપ્રિલ 2017ના રોજ મુખ્યમંત્રીના કાફલા સામે કેટલાક લોકોએ કાળા ઝંડા બતાવ્યા હતા. જેને લઈને આ લોકો સામે પોલીસ કર્મચારીઓ સામે બળનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમની સામે આઈપીસીની કલમ-283 જાહેર માર્ગમાં ખતરો કે અવરોધ ઉભો કરવો, કલમ-188 જાહેર સેવકના આદેશનો અનાદર, કલમ-500 બદનક્ષી માટે સજા અને કલમ-353 હુમલો સાથે કલમ-34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અરજદારોના વકીલે દલીલ કરી હતી કે પોલીસ રિપોર્ટના આધારે માનહાનિનો ગુનો ચલાવી શકાય નહીં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ જાહેર માર્ગ પર કોઈ અવરોધ ઊભો કરવામાં આવ્યો નથી અને આઈપીસીની કલમ 283 હેઠળ કોઈ ગુનો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત અરજદારોએ પોલીસ અધિકારીઓ સામે બળનો ઉપયોગ કર્યો ન હતો અને તેમની ફરજમાં કોઈ અડચણ ઉભી કરી નહોતી. તેથી આઈપીસીની કલમ 353 પણ લાગુ પડતી નથી.