કાશ્મીર, સીઝ ફાયર, નોબલ સહીતના મુદ્દે ભારતના વલણને કારણે ટ્રમ્પનો અહમ ઘવાયો, આ કારણોસર સંબંધોમાં આવી ખટાશ ?
અમેરિકામાં હાઉડી મોદી અને ભારતમાં નમસ્તે ટ્રમ્પ જેવા પબ્લિકથી ભરપૂર કાર્યક્રમ યોજનાર ટ્રમ્પ-મોદી વચ્ચેની મિત્રતામાં કેમ ખટાશ આવી ? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોમાં આ મહત્વના કારણોસર કડવાશ વ્યાપી ગઈ છે ?

પાકિસ્તાન સામે હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂરનુ સીઝ ફાયર અંગે ભારતના ઇનકાર છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેનો શ્રેય લેતા રહ્યા. જોકે, મોદીએ સ્પષ્ટતા કરી હતી કે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ સાથે અમેરિકાનો કોઈ સંબંધ નથી. તેમ છતાં, ટ્રમ્પ સંમત થયા ના હતા. તેમણે અત્યાર સુધીમાં 40 થી વધુ વખત સીઝ ફાયર કરાવ્યાના દાવાનું રટણ ચાલુ રાખ્યું

ભારતે, શાંતિ માટેનો નોબેલ પારિતોષિક માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નામાંકિત ના કર્યું હોવાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે ગુસ્સે ભરાયા છે. પાકિસ્તાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પને નોમિનેટ કર્યાં છે. ભારતે પણ કરવા જોઈએ તેવો અભિગમ ટ્રમ્પે રાખ્યો હતો. જો કે, ઇઝરાયલ અને પાકિસ્તાન ઉપરાંત, કંબોડિયા, અઝરબૈજાન અને આર્મેનિયાએ પણ ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ કર્યા છે.

ગત 16 થી 17 જૂન દરમિયાન કેનેડામાં G7 સમિટ યોજાઈ હતી. ટ્રમ્પ પહેલા દિવસે G7 સમિટના શિખર સંમેલનમાં હાજરી આપી અને વહેલા નીકળી ગયા. અહીં મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ તે થઈ શકી નહીં. આ પછી બંનેએ ફોન પર વાત કરી. ટ્રમ્પે મોદીને અમેરિકા થઈને ભારત જવા કહ્યું, પરંતુ મોદીએ ના પાડી દીધી.

ભારત-પાક યુદ્ધવિરામ પછી પણ, ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે મધ્યસ્થી ઓફર કરી હતી. પરંતુ ભારતે કાશ્મીર મુદ્દા પર કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી ક્યારેય સ્વીકારવામાં નહીં આવે તેવો સ્પષ્ટ વાત કહી હતી. આના કારણે પણ ટ્રમ્પનો અહમ ધવાયો હતો.

એક પછી એક બનાવ બાદ કડવાશ વધી ગઈ અને ટ્રમ્પે ભારત વિરૂદ્ધ જાહેરમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું અને ભારતીય વેપાર નીતિઓને ખરાબ ગણાવી. આ પછી, ટ્રમ્પે ભારતીય માલ પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી.

અમેરિકા લાંબા સમયથી ખેતી અને ડેરી ઉત્પાદનો માટે બજાર ખોલવા માટે ભારત ઉપર દબાણ કરી રહ્યું છે. ભારતે અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ઓછા ટેરિફની અમેરિકન માંગને નકારી કાઢી. ઊંચી કિંમત હોવા છતાં, ભારતે સ્થાનિક ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી. અમેરિકન ડેરી ઉત્પાદનો અને GM પાકોની આયાત પર મતભેદને કારણે જુલાઈમાં વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ નિષ્ફળ ગયો.

27 ઓગસ્ટથી અમેરિકાએ ભારત પર 50 % ટેરિફ લાદ્યો હતો. આમાંથી 25% ટેરિફ દંડ તરીકે લાદવામાં આવ્યો હતો કારણ કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. અમેરિકા કહે છે કે આ રશિયાને યુદ્ધમાં મદદ કરી રહ્યું છે. જોકે, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું નથી અને તેને રાષ્ટ્રીય હિતમાં ગણાવ્યું હતું. અમેરિકા ઇચ્છે છે કે યુરોપિયન દેશો પણ ભારત ઉપર ટેરિફ લગાવે. પરંતુ યુરોપિયન યુનિયન (EU) એ આ બાબતે મૌન જાળવી રાખ્યું છે.
દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો