ઉત્તર ગુજરાતમાં પશુ ચરબી વાળુ ઘી વેચાય છે? ગાયના ઘીના નમૂનામાં ચોંકાવનારો રિપોર્ટ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી શુદ્ધ ઘીના નામે ભેળસેળ વાળુ ઘી વેચાતુ હોવાને લઈ તંત્ર દ્વારા દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે. આવી જ રીતે મહેસાણાના ઊંઝામાં પણ ગત ઓક્ટોબર માસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યા રજવાડી ડેરી પ્રોડક્ટમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ફોરેન ફેટ હોવાનો રિપોર્ટ સામે આવ્યાના સમાચાર છે.
જો તમે શુદ્ધ ઘી ખાઇ રહ્યા હોય તો, બરાબર જોઇ અને ચકાસી લેજો. ક્યાંય તમે ભેળસેળ વાળુ ઘી તો નથી ખાઇ રહ્યા ને. હાલમાં જ એક ફૂડ વિભાગે લીધેલા નમૂનામાં જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. ફૂડ વિભાગે શુદ્ધ ઘીના નામે વેચાઇ રહેલા લૂઝ અને પેકિંગના નમૂના લીધા હતા. જેમાં રિપોર્ટ ફેઇલ આવ્યો છે. તો વળી સાથે જ રિપોર્ટમાં ફોરેન ફેટ હોવાનું પણ જણાવવામાં આવ્યુ છે.
ફોરેન ફેટની હાજરી હોવી એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. જે ઘીને તમે શુદ્ધ ઘી હોવાનું માની રહ્યા છો, એ ઘીમાં પશુ ચરબી હોવાની શક્યતા પણ માનવામાં આવે છે. દૂધના ફેટ હોવા સિવાય અન્ય ફેટ હોવાની હાજરી હોવાનું રિપોર્ટમાં સામે આવતા ફૂડ વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.
ગત ઓક્ટોબરમાં દરોડો
ફૂડ વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલ કામલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ભેળસેળ થવાની આશંકાએ ફૂડ વિભાગના અધિકારીઓ કામલી નજીક આવેલ ઘી ઉત્પાદન કરતા યુનિટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં રડવાડી ડેરી પ્રોડક્ટ યુનિટમાંથી અમૃત શુદ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ ગોધારા શુદ્ધ ગાય ઘીના પણ નમુના લેવામાં આવ્યા હતા. પેકિંગ ઉપરાંત લૂઝ ઘીના પણ સેમ્પલ લઇને પરીક્ષણ માટે વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
અલગ અલગ 8 સેમ્પલ લઇને ફૂડ વિભાગે વડોદરા મોકલ્યા હતા. જોકે વડોદરાના રિપોર્ટમાં એક સેમ્પલને બાદ કરતા પાંચ સેમ્પલ પાસ હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઈ આ સેમ્પલને ફૂડ વિભાગે ફરીથી તપાસ માટે ભેળસેળની આશંકાને લઈ પૂણે મોકલી આપ્યા હતા. જ્યાં કેન્દ્રની અદ્યતન લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવતા ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા હતા.
દૂધ નહીં ફોરેન ફેટની હાજરી
પૂણેની લેબોરેટરીમાંથી સેમ્પલને લઈ વિગતવાર રિપોર્ટ સામે આવતા તે ચોંકાવનારા હતા. જેમાં ગોધારા ગાયના ઘીના સેમ્પલમાં ફોરેન ફેટ હોવાનું સામે આવ્યુ હતુ. ફોરેન ફેટ હોવાનો મતલબ હતો કે, દૂધના ફેટ સિવાય અન્ય ફેટની હાજરી છે. આમ હવે આ ફેટ પશુ ચરબી હોવાની પણ આશંકા નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં હાલ તો ફોરેન ફેટના રિપોર્ટ આધારે રજવાડી ડેરી પ્રોડક્ટ સામે કાર્યવાહી હાથ ધરવા માટે તજવીજ શરુ કરાઇ છે.