10 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
આજે 10 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
સુરતના માંગરોળમાં સગીરાને પીંખનાર 3 આરોપીઓમાંથી 2ની ધરપકડ, આરોપીએ ભગાવાનો પ્રયાસ કરતા પોલીસે હવામાં ગોળીબાર કર્યો. કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો..ગરબા રમવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. વલસાડના ઉમરગામથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, 25 કરોડનું ડ્રગ્સ જપ્ત, DRI અને CID ક્રાઈમનું આ સંયુક્ત ઓપરેશન છે. લાંચ કેસમાં સસપેન્ડ થયેલા અમદાવાદના ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોડની ધરપકડ થઇ છે. ફાયર NOC માટે 65 હજારની લાંચ માંગી હતી. રાજ્યમાં 3 નવનિયુક્ત ન્યાયાધીશ આજે શપથ લેશે, શપથવિધિ બાદ ગુજરાત રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા 32 થશે. મહેસાણાના વિજાપુરની સ્કૂલમાં કરંટ લાગતા નવમા ધોરણના વિદ્યાર્થીનું મોત. અન્ય ચાર દાઝ્યા. વાલીઓના હોબાળો બાદ પ્રિન્સિપાલ સહિત 5ની અટકાયત..
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ લાલ દરવાજાની પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
અમદાવાદ લાલ દરવાજાની પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. નાયબ હિસાબનીશ મહેશ દેસાઈની ACB એ ધરપકડ કરી છે. 5000 રૂપિયાની લાંચ લેતા પ્રહલાદ નગરમાંથી પકડાયો છે. ફરિયાદીના દાદાના પેન્શનની બાકી નીકળતી રકમ અપાવવા બાબતે માંગી હતી લાંચ. ACB એ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
-
AMC ઘર દીઠ આપશે કપડાની થેલી
અમદાવાદના નાગરિકો પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા ઘરે ઘરે કપડાની થેલી આપશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક દૂર થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે. કપડાંની થેલીનો ઉપયોગ થતા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે તેમ એએમસીના પદાધિકારીઓનુ માનવું છે.
-
-
સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
આઠમા નોરતાએ આજે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુરતના સિટીલાઇટ, મજૂરાગેટ, પાંડેસરા, અડાજણ, કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા બફારામાંથી રાહત મળી છે પરંતુ ખૈલયાઓમાં નિરાશા વ્યાપી છે.
-
કેન્દ્રએ હિઝ્બ ઉત તહરીરને આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે 1953માં જેરુસલેમમાં રચાયેલા વૈશ્વિક ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન હિઝ્બ ઉત તહરીરને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. હિઝ્બ ઉત તહરીર સામે UAPA લાદવામાં આવ્યું છે. હિઝ્બ પર યુવાનોને આતંકવાદ માટે પ્રેરિત કરવાનો અને સોશિયલ મીડિયા દ્વારા ISISમાં સામેલ કરવાનો આરોપ છે.
-
સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર દક્ષિણ કોરિયાના લેખક હાન કાંગને મળ્યો
દક્ષિણ કોરિયાના લેખક હાન કાંગને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર વિજેતા લેખક હાન કાંગનો જન્મ 1970માં દક્ષિણ કોરિયાના ગ્વાંગજુ શહેરમાં થયો હતો. આ સન્માન તેમના કાવ્યાત્મક ગદ્ય માટે આપવામાં આવ્યું છે. તેમના પુસ્તકોમાં ધ વેજિટેરિયન, ધ વ્હાઇટ બુક, હ્યુમન એક્ટ્સ અને ગ્રીક લેસનનો સમાવેશ થાય છે.
-
-
રાજકીય સન્માન સાથે રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપન્ન
રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી સ્મશાન ભૂમિમાં સરકારી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ગુજરાતના સીએમ ભૂપેન્દ પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફણવીસ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
છેલ્લા 12 કલાકમાં ગુજરાતના 45 તાલુકામાં વરસાદ, નવ તાલુકામાં એક ઈંચથી વધુ વરસ્યો
આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમા ગુજરાતના 45 તાલુકામાં એક મિલીમીટરથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનારમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો ગણદેવીમાં દોઢ ઈંચ, સૂત્રાપાડા ભાવનગરના મહુવા, ચિખલી, ખેરગામ સુરતના મહુવા, પલસાણા અને કપરાડામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
-
નવસારીના ગણદેવી સહીતના વિસ્તારમાં વરસ્યો વરસાદ
નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાગ વાદળોની સાથે વરસાદની શરૂઆત થવા પામી છે. ભારે પવન સાથે ગણદેવી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. 20 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ગરબા રસિકોમાં વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે.
-
નડિયાદમાં વરસ્યો ધીમી ધારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતા
ખેડાના નડિયાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. નવરાત્રીનો આજે આઠમો દિવસ છે ત્યારે નવરાત્રિના આયોજકોમાં, વરસાદ વરસતા ચિંતાનો માહોલ પ્રસર્યો છે.
-
વડોદરા ભાયલી સામુહિક દુષ્કર્મના આરોપીઓના વધુ રિમાન્ડ મેળવાયા, 14 ઓક્ટોબર સુધી રહેશે રિમાન્ડ પર
ભાયલી સામુહિક દુષ્કર્મના આરોપીઓના રિમાન્ડ આજે પુરા થતા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવાયા છે. આરોપીઓ આગામી 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રહેશે. પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટ દ્વારા આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.રિમાન્ડના કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસ દરમિયાન પોલીસને સતત ગોળગોળ ફેરવી રહ્યા છે. તપાસમાં પૂરતો સહયોગ ન આપતા હોવાથી વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી.
-
બાલાસિનોરના રાજપુર ખાતેથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા
મહીસાગરના બાલાસિનોર પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સને પોલીસ ઝડપી પાડ્યા છે. બાલાસિનોરના રાજપુર ખાતેથી બે ઈસમોને હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી પાડયા છે. હાથ બનાવટની બંદૂક શિકાર કરવા માટે લઈ બન્ને ઈસમો નીલ ગાયનો શિકાર કરવાના હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી. બંને ઇસમો સામે આર્મસ એકટ હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મના પકડાયેલ આરોપીમાંથી એકનું મોત
સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં પકડાયેલા બે આરોપીમાંથી એક આરોપીની તબિયત લથડી છે. આરોપી શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતા, પોલીસ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું છે.
-
કોડીનારમાં અડધો કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ
ગીર સોમનાથના કોડીનારમાં અડધો કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા.
-
મહેસાણામાં પોલીસ પર હુમલો કરનાર 5 આરોપીને 5 વર્ષની કેદ, 9000ના દંડની સજા
મહેસાણામાં પોલીસ પર હુમલો કરનાર 5 આરોપીને વિસનગર કોર્ટના જજ એસ એન સિદ્દીકીએ 5 વર્ષની કેદ અને પ્રત્યેકની રૂપિયા 9000ના દંડની સજા ફટકારી છે. વર્ષ 2019 માં સતલાસણાના હડોલથી બ્રહ્નપુરી વચ્ચે પોલીસ પર હુમલાની ઘટના બની હતી. પોલીસ કર્મીઓએ રોકતા, ટ્રક અને બોલેરો લઈને આવેલા 5 શખ્સએ પોલીસ પર હુમલો કર્યો હતો.
-
ગુજરાત સરકારે પણ રતન તાતાના અવસાન અંગે આજે એક દિવસનો શોક જાહેર કર્યો
વરિષ્ઠ અગ્રણી સ્વર્ગસ્થ રતન તાતાના અવસાન અંગે, ગુજરાત સરકારે આજે 10 ઓક્ટોબર 2024ના એક દિવસનો શોક જાહેર કર્યો છે. તમામ સરકારી કચેરીઓ ખાતે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
-
અમરેલી: ખાંભા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ
અમરેલી: ખાંભા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ વરસ્યો. નાનુડી, ભાડ, ઇંગોરાળા વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ છે. ભાવરડી, ખડાધાર સહિત ગામોમાં વરસાદ ખાબક્યો.
-
રાજ્યમાં ચોમાસુ વિદાય લેતા પહેલા ધમરોળશે
રાજ્યમાં ચોમાસુ વિદાય લેતા પહેલા ધમરોળશે. લો પ્રેશર સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આજે નવસારી ડાંગ વલસાડ દા. હવેલી, દમણમાં ભારે વરસાદની આગાહી છે. ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગર,અમરેલી, સુરતમાં વરસાદની આગાહી છે. ડાંગ,તાપી,વલસાડ,નવસારી, દમણ દા. હવેલી સહિત ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ,ગાંધીનગર, વડોદરા સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે.
-
CM ભૂપેન્દ્ર પટેલ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઇ પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે બપોરે 12.30 કલાકે મુંબઈ જવા રવાના થયા છે. સ્વ. રતન ટાટાનું ગઈ મોડી રાત્રે અવસાન થયું છે. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે. મુખ્યમંત્રી મુંબઈ પહોંચીને સ્વ. રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન પાઠવશે અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે.
-
સુરત: ભીમરાડમાં નજીવી બાબતે ગ્રામજનોએ સળગાવી કાર
સુરત: ભીમરાડમાં નજીવી બાબતે ગ્રામજનોએ કાર સળગાવી દીધી. ગરબા જોઈ પરત ફરી રહેલા યુવાનોની કારે અન્ય કાર સાથે અથડાઈ હતી. ગામના લોકો આવતા મારના ભયથી યુવાનો ફરાર થયા. ગ્રામજનોએ યુવાનોની કારનો પીછો કરીને હાઈવે પર અટકાવ્યા. યુવાનો નશાની હાલતમાં કાર ચલાવતા હોવાનો લોકોનો આક્ષેપ છે. લોકોએ કાર સળગાવી, બાદમાં ગામમાં લાવી યુવાનોને માર માર્યો હતો. પોલીસે નવ લોકોની ધરપકડ કરીને રાયોટિંગનો ગુનો કર્યો દાખલ.
-
સુરત: માંડવી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ
સુરત: માંડવી તાલુકામાં 14 વર્ષીય સગીરા સાથે રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું. શાળાએ લઈ જતા રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું. અરબાઝ પઠાણ નામના યુવકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાને ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી કૃત્ય આચર્યું. સગીરા ગર્ભવતી થતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું.
-
ભાવનગર: મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
ભાવનગર: મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ઉચા કોટડા અને નીચા કોટડાના ગામોમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ મેઘ મહેર થઇ. કટકડા, ભાટીકડા, દયાળ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
-
વલસાડ: ઉંમરગામ GIDCના દેહરી વિસ્તારમાં DRIની કાર્યવાહી
વલસાડ: ઉંમરગામ GIDCના દેહરી વિસ્તારમાં DRIએ કાર્યવાહી કરી. DRIના દરોડા દરમિયાન MD ડ્રગ્સ બનાવતું કારખાનું ઝડપાયું છે. સૌરભ ક્રિએશન નામના કારખાનામાં ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું. કારખાનામાંથી 17.3 કિલો લીક્વિડ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું. કારખાનામાં હાજર ત્રણ આરોપીની DRIની ટીમે ધરપકડ કરી છે. રેકેટનો માસ્ટર માઈન્ડ વિક્રાંત પટેલ પણ પોલીસના સકંજામાં છે. લીક્વિડ મેફેડ્રોન ડ્રગ્સની કીંમત અંદાજિત 25 કરોડ રૂપિયા છે.
-
સુરત: જિલ્લાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો
સુરત: જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બારડોલી, મહુવા તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. મહુવા તાલુકામાં તાડના ઝાડ ઉપર વીજળી પડવાની ઘટના બની છે. વીજળી પડતા ઝાડ સળગ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે.
-
કચ્છ: આડેસરમાં ગરબા રમી પરત ફરતી યુવતી પર દુષ્કર્મ કરનાર સકંજામાં
કચ્છ: આડેસરમાં ગરબા રમી પરત ફરતી યુવતી પર દુષ્કર્મ કરનાર સકંજામાં આવ્યા. યુવતીએ બળાત્કાર અને જાતિ અપમાનિત કરાઈ હોવાની ફરિયાદ કરી હતી. યુવતી પર કારખાના માલિકે દુષ્કર્મ આચાર્યું હોવાની ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી પ્રવિણ કરશન ગોયલની ધરપકડ કરી છે.
-
આણંદઃ હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
આણંદઃ હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો હતો. રાત્રીના સમયે ભારે પવનમાં મહાકાય ગેટ ભોંય ભેગો થયો હતો. ગરબા મેદાનનો મુખ્ય ગેટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
-
અમદાવાદઃ કૃષ્ણનગરના સરદાર ચોકમાં 28 લાખ રૂપિયાની લૂંટ
અમદાવાદઃ કૃષ્ણનગરના સરદાર ચોકમાં 28 લાખ રૂપિયાની લૂંટ થઇ છે. સાંજે થયેલી લાખોની ચાંદીની લૂંટના CCTV સામે આવ્યા છે. જવેલર્સની દુકાન બહાર ઊભેલો શખ્સ લૂંટાયો છે. ચાંદીનો થેલો ઝૂંટવી મહિલા ફરાર થઈ હતી. થેલો લૂંટનાર મહિલા છે કે પછી મહિલાના વેશમાં લૂંટ કરી છે તે અંગે તપાસ ચાલુ છે.
-
રતન ટાટાના નિધન પર ઝારખંડમાં એક દિવસનો રાજકીય શોક
બિઝનેસ ટાયકૂન રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. ઝારખંડ સરકારે ટાટાના માનમાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. 86 વર્ષના રચના ટાટા લાંબા સમયથી બીમાર હતા. તેમને મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
-
ઉત્તરાખંડના સીએમ ધામીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા જીના નિધનના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન દેશની ઔદ્યોગિક પ્રગતિ અને સામાજિક વિકાસ માટે સમર્પિત કર્યું. તેમની દૂરંદેશી, સમર્પણ અને વ્યાપારી કુશળતાએ ટાટા જૂથને માત્ર નવી ઊંચાઈઓ પર જ નહીં લઈ જવા ઉપરાંત રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન આપણા બધા માટે પ્રેરણા સ્ત્રોત છે.
-
દ્વારકા: ગોમતી ઘાટ પાસે શૂટિંગ કરતા વિવાદ
દ્વારકા: ગોમતી ઘાટ પાસે શૂટિંગ કરતા વિવાદ થયો છે. ગોમતી ઘાટ પાસે ડ્રોન ઉડાડતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ડ્રોન જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. સીરીયલની શૂટિંગની મંજૂરી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હિન્દી સીરીયલનું શૂટિંગ થતું હોવાની ચર્ચા છે. શૂટિંગ ઉતારનાર લોકોએ મંજૂરી લીધી હોવાનો દાવો કર્યો.
-
રતન ટાટાએ કહ્યું દુનિયાને અલવિદા
મુંબઈ પોલીસના સાઉથ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવતા લોકોને અપીલ છે કે જો ત્યાં પાર્કિંગની સુવિધા ન હોય તો તેમણે પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને તેમની પાર્કિંગની વ્યવસ્થા તપાસવી પડશે. પોલીસ સંપૂર્ણ તૈનાત રહેશે.
Published On - Oct 10,2024 7:42 AM