શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા, જુઓ Video

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2025 | 3:07 PM

Lion In School : શાળામાં આંટાફેરા મારતાં સિંહ શાળાના ઉપરના ભાગે જવાના પગથિયા પર ચડ્યો હતો, પરંતુ ઉપરના ભાગે શાળાના ઓરડાઓ બંધ હોવાથી સામેના ભાગના પગથિયા પરથી નીચે ઉતરી ગયો હતો.

તમે શાળાની અંદર, ગાય, ભેંસ, આખલા અને શ્વાનને ઘુસી જતા જોયા હશે. ઠંડી અને વરસાદની સીઝનમાં પ્રાણીઓ આશરો શોધવા શાળામાં ઘુસી જાય, પરંતુ ગીર સોમનાથમાં શાળામાં તો સાવજ ઘુસી ગયો. એ પણ સવારની શાળા શરૂ હતી તે સમયે. એટલુ જ નહીં શાળાના મેદાનમાં જ મેજબાની માણવા બેસી ગયો.

ઉનાના હરસિદ્ધિ નગરમાં આવેલી ખાનગી શાળામાં શિકારની શોધમાં સિંહ આવી ચડયો હતો. સદનસીબે સિંહ શાળામાં આવ્યો ત્યારે શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર ઉભા રાખી દીધા હતા. ઉનાના દેલવાડા રોડ પર આવેલી હાઈસ્કૂલની પાછળના ભાગે હરસિદ્ધિ નગરમાં આવેલી ગાયત્રી શાળામાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. શિકારની શોધમાં આવેલા સિંહે શાળાના બિલ્ડિંગની પાછળના ભાગે વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. મિજબાની માણ્યા બાદ સિંહે શાળાના ગ્રાઉન્ડમાં આંટાફેરા માર્યા હતા.

શાળામાં આંટાફેરા મારતાં સિંહ શાળાના ઉપરના ભાગે જવાના પગથિયા પર ચડ્યો હતો, પરંતુ ઉપરના ભાગે શાળાના ઓરડાઓ બંધ હોવાથી સામેના ભાગના પગથિયા પરથી નીચે ઉતરી ગયો હતો. સવારના સમયે શાળાના ગ્રાઉન્ડમાં સિંહ હોવાની જાણ શાળાના શિક્ષકોને થતાં શાળાએ આવતા વિદ્યાર્થીઓને બહારના ભાગે જ પ્રવેશતા રોકી દેવાયા હતા.

બાદમાં શિકારની શોધમાં આવેલો સિંહ શાળાના ગ્રાઉન્ડમાંથી નીકળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો શાળાની સામેના ભાગે રહેતા લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. આમ રહેણાકીય વિસ્તારમાં સવારના સમયે સિંહ આવી ચડતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અંગે શાળાના સંચાલકો દ્વારા વન વિભાગને જાણ કરાતાં વન વિભાગ સ્ટાફ શાળાએ દોડી આવ્યો હતો અને સિંહને દૂર ખસેડવા માટે કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં અવાર નવાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. સિંહ સિંહણ અને દીપડા જેવા પ્રાણીઓનો ડર સતત લોકોને સતાવે છે.

g clip-path="url(#clip0_868_265)">