ગુજરાતના આ ગામમાં વિદ્યાર્થીઓ કરે છે 8 લાખ રૂપિયાની કમાણી, જાણો શું કરે છે બિઝનેસ ?
અમરેલીના ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે વ્યવસાય પણ શીખે છે. છેલ્લા છ મહિનામાં તેમણે KYC સ્ટુડિયો દ્વારા લાખો રૂપિયા કમાણી કરવામાં આવી છે.

આજના યુગમાં શિક્ષણનો મુખ્ય હેતુ સારી નોકરી મેળવવાનો હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ જ નહીં, પણ વ્યવસાયની પણ તાલીમ આપવામાં આવે છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓ ફી ભરવા અને પરિવારની આર્થિક મદદ માટે પોતાના વ્યવસાય ચલાવી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં વિદ્યાર્થીઓએ 6 લાખ રૂપિયા કમાઈ લીધા છે.
વિદ્યાર્થીઓનો અનુભવ અને બિઝનેસ મોડલ
ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના 9મા ધોરણના વિધાર્થી ગેલાની વ્રજ જણાવે છે, “હું હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું. મારા પિતા ખેતી કરે છે. અમારી શાળા સવારે 7:30 થી 12:30 સુધી ચાલે છે, ત્યારબાદ બાકીનો સમય અમે વ્યવસાય માટે ઉપયોગમાં લઈએ છીએ. અમારા 16 વિદ્યાર્થીઓએ મળીને કેવાયસી સ્ટુડિયો (KYC Studio) શરૂ કર્યો છે, જેમાં અમે લેસર કટિંગ અને પ્રિન્ટિંગ મશીનોનો ઉપયોગ કરીને લેડીઝ પર્સ, બુક, ડાયરી, શો પીસ, મોબાઇલ સ્ટેન્ડ અને અન્ય વસ્તુઓ બનાવીએ છીએ. આ વસ્તુઓ વેચીને અમે સ્કૂલની ફી ચૂકવીએ છીએ અને પરિવારને પણ સહાયતા કરીએ છીએ.”
વિદ્યાર્થીઓએ કેવી રીતે કરી કમાણી
ગિર ગઢડા ગામના અને 9મા ધોરણના વિદ્યાર્થી વાઘેલા અક્ષય લખમણભાઈ કહે છે, “મારા પિતા ગેરેજ ચલાવે છે અને મને વ્યવસાય કરવાની પ્રેરણા ત્યાંથી મળી. એટલે હું ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના કેવાયસી ગ્રુપમાં જોડાયો. આ સ્ટુડિયો દ્વારા આપણે વિવિધ વસ્તુઓ બનાવીને વેચીએ છીએ. અત્યાર સુધી હું 30,000 થી 35,000 રૂપિયા કમાવી શક્યો છું.”
શાળા સંચાલકોની દ્રષ્ટિ અને લક્ષ્યાંક
ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના સ્થાપક જય કાઠરોટિયા જણાવે છે, “અમે છેલ્લા બે વર્ષથી આ શાળા ચલાવી રહ્યા છીએ. એક વખત એક વિદ્યાર્થીના પિતાએ 40,000 રૂપિયાની ફી ભરવા માટે પોતાની બાઈક વેચી દીધી, જે સાંભળીને અમને દુઃખ થયું. ત્યારબાદ, અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓ કેવી રીતે પરિવારની આર્થિક સહાય કરી શકે. આ વિચારથી શાળામાં સ્ટાર્ટઅપ સ્ટુડિયો સ્થાપવાનું નક્કી કર્યું.”
સ્ટાર્ટઅપ સ્ટુડિયોની સફળતા
જય કાઠરોટિયા જણાવે છે, “વિદ્યાર્થીઓ કામ કરી શકે તે માટે લેસર કટિંગ અને મગ પ્રિન્ટિંગ જેવી ટેકનોલોજી શાળા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શરૂમાં બે વિદ્યાર્થીઓએ કામ શરૂ કર્યું હતું, આજે 18 વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. તેઓ B2B અને B2C માર્કેટમાં ઉત્પાદનો વેચે છે. છેલ્લા 6-8 મહિનામાં, વિદ્યાર્થીઓએ 6 થી 8 લાખ રૂપિયાની કમાણી કરી છે.”
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નવી દિશા
જય કાઠરોટિયા કહે છે, “આ સ્ટાર્ટઅપ દ્વારા વિદ્યાર્થીઓ કૌશલ્ય શીખી રહ્યા છે અને ભવિષ્યમાં એક સફળ ઉદ્યોગસાથી બની શકે છે. આ પહેલથી અનેક વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાને આર્થિક મુશ્કેલીમાંથી મુક્ત કરી શકશે. 13-15 વર્ષની ઉંમરના બાળકો પોતાનું વ્યવસાય શીખી રહ્યા છે અને નાના ઉદ્યોગસાથી બની રહ્યા છે.”