Video : સુરતમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના, બાળકની સામે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું, બે આરોપીની અટકાયત
સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક મહિલા પર ગેંગરેપ અને લૂંટનો ભયાનક બનાવ બન્યો છે. પાલીતાણાથી મહારાષ્ટ્ર જતી મહિલા સાથે તેના 3.5 વર્ષના બાળક પણ હતા.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં વધુ એક ગંભીર અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાની સાથે લૂંટ અને ગેંગરેપની ઘટના બની છે. આ મહિલા 3.5 વર્ષના બાળક સાથે પાલીતાણાથી મહારાષ્ટ્ર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. દરમિયાન અમદાવાદમાં એક યુવકે પરિવાર સાથે આવતાં તેની ઓળખાણ મહિલાના પતિ સાથે હોવાનું કહી વિશ્વાસ જીતી લીધો. ત્યારપછી સુરતના ઉધના સ્ટેશન પર આ યુવકે મહિલાને ટ્રેનમાંથી ઉતારી, ઉત્રાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું.
આ સાથે જ ઓડિશાના અન્ય એક શખ્સે પણ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ બે દિવસ સુધી મહિલાને શારીરિક અને માનસિક યાતનાઓ આપી, જેને કારણે મહિલા ગંભીર હાલતમાં મળી આવી હતી. એક સ્થાનિક વ્યક્તિએ આ મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં જોઈને તરત પોલીસને જાણ કરી, જેના આધારે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહિલાએ અમદાવાદ રેલવે સ્ટેશન પર હરેશ નામના વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી, જે તેના પતિને ઓળખતો હોવાનું કહી તેના વિશ્વાસને જીતી લીધો હતો. સુરત પહોંચ્યા બાદ આ વ્યક્તિએ મહિલાને મહારાષ્ટ્ર પહોંચાડવાની લાલચ આપી ઉત્રાણના અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને સાથે લૂંટફાટ પણ કરી. બાદમાં ઓડિશાના શંકર નામના શખ્સે પણ મહિલાને શારીરિક યાતનાઓ આપી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બંને આરોપીઓને ઝડપી લીધા છે અને ન્યાયની પ્રક્રિયા ચાલુ છે. હાલ મહિલા મેન્ટલ ટ્રોમામાં છે અને તેનું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરત પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે અને સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સુરત પોલીસે આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે.